• મંગળવાર, 07 જુલાઈ, 2026

રામ મંદિરનાં ટ્રસ્ટમાંથી ચંપત, મિશ્રાની રવાનગી

નવી દિલ્હી, તા.6: દેશભરમાં નારાજગી ફેલાવનાર દાન-ચઢાવાની ચોરીનાં વિવાદમાં આખરે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મહામંત્રી ચંપત રાય અને સદસ્ય અનિલ મિશ્રાનાં રાજીનામા મંજૂર કરી નાખ્યા છે. ટ્રસ્ટનાં કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીએ આશરે ત્રણ કલાક લાંબી ચાલેલી ટ્રસ્ટની બેઠક બાદ રાજીનામા સ્વીકૃતિનાં નિર્ણયની ઘોષણા કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદનાં આ બન્ને મોટા નેતાઓએ ચોરીનો વિવાદ ભડક્યા બાદ ગત માસે પોતાનાં પદો ઉપરથી રાજીનામા આપી દીધા હતાં. ચંપત રાયનાં સ્થાને કૃષ્ણ મોહનને વચગાળાનાં મહાસચિવ બનાવવામાં આવ્યા છે. ટ્રસ્ટની આર્થિક બાબતો અને દાનની દેખરેખ સામે સવાલો ઉઠયા બાદ બન્નેએ નૈતિક જવાબદારી સ્વીકારીને આ પગલું ભર્યુ હતું. ગોવિંદ દેવે આગળ જણાવ્યું હતું કે, હવે 22મી જુલાઈએ ફરીથી ટ્રસ્ટની બેઠક મળશે અને ત્યાં સુધીમાં ચોરીની ઘટનામાં સીટની તપાસનો રિપોર્ટ પણ આવી જશે. આ ઉપરાંત મંદિરનાં સંચાલનમાં શું બદલાવ આવશ્યક છે તેની સમીક્ષા કરવા માટે પણ એક સમિતિની રચના કરવામાં આવી છે.

તેમણે આગળ કહ્યું હતું કે, હવે મંદિરનું બધુ કામ કૃષ્ણ મોહન જોશે. ચંપત રાયની ટ્રસ્ટમાં હાલ કોઈ ભૂમિકા રહેશે નહીં. અનિલ મિશ્રા પણ ટ્રસ્ટ અને મંદિરની વ્યવસ્થાથી દૂર રહેશે.

આજે બેઠકનાં આરંભે સૌથી પહેલા તો રામ મંદિર સાથે જોડાયેલી આ તફડંચીની ઘટના અંગે ઘેરું દુ:ખ પ્રગટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોવિંદ ગિરીએ બેઠકનો મુખ્ય મુસદો્ પેશ કર્યો હતો. તેમણે જ ઔપચારિક ધોરણે ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામા ઉપર વિચારણાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

વર્ષ 2020માં રામ મંદિર ટ્રસ્ટની રચના પછી આજની આ બેઠકને અત્યાર સુધીની સૌથી મહત્ત્વની બેઠક માનવામાં આવી હતી. ચઢાવાની ચોરીમાં ભગવાન શ્રીરામનાં આભૂષણો અને રામધનની ચોરી થયાનાં આક્ષેપો પણ થયા હોવાથી આજે ટ્રસ્ટે એ તમામ ચીજો મીડિયા સામે રજૂ કરી હતી. આમાં સોનાનાં ઢોળવાળી માનસ, ચાંદી કાગભુસુંડી, ચરણ પાદુકા અને એક મોટા હારનો સમાવેશ થાય છે.

આજની ટ્રસ્ટની બેઠક રામ મંદિર પરિસરમાં જ યોજાઈ હતી. આ બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રા સામેલ થયા નહોતા. આવી જ રીતે મંદિરની વ્યવસ્થા સાથે જોડાયેલા ગોપાલ રાવને પણ બેઠકમાં સામેલ થવાની અનુમતિ આપવામાં આવી નહોતી. ટ્રસ્ટનાં કેટલાક સદસ્યો તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, જો આ લોકો બેઠકમાં જોડાશે તો તેઓ હાજર રહેશે નહીં.

દરમિયાન વિહિપે ચંપત રાયનો બચાવ કરતાં કહ્યું હતું કે, માત્ર આરોપથી દોષ સિદ્ધ થતાં નથી. જો કે સાથોસાથ એવું પણ ઉમેરવામાં આવ્યું હતું કે, ટ્રસ્ટ આ લોકોનાં રાજીનામા વિશે જે નિર્ણય કરશે તેનું સન્માન કરવામાં આવશે.

----------

હાઈકોર્ટે સીબીઆઈ તપાસની માગણી નકારી

નવીદિલ્હી,તા.6: શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટનાં ચઢાવામાંથી ચોરીનાં કેસમાં સીબીઆઈ તપાસની માગણીને અલ્હાબાદ હાઈકોર્ટે ખારિજ કરી નાખી છે. સરકાર તરફથી દલીલ આપવામાં આવી હતી કે, આ સંબંધિત અન્ય એક અરજી અગાઉથી જ સુપ્રીમ કોર્ટમાં પેંડિંગ છે ત્યારે હાઈકોર્ટમાં આ અરજીની સુનાવણીનું ઔચિત્ય નથી. બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ હાઈકોર્ટે અરજદાર મોહિત અશોકની માગણી નકારી કાઢી હતી.

મહંત નૃત્ય ગોપાલદાસે મોદી, યોગીને કરી કાર્યવાહીની અપીલ

નવી દિલ્હી, તા.6: અયોધ્યામાં રામમંદિરમાંથી ચઢાવાની ચોરીનાં કેસમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસનું પહેલું નિવેદન આવ્યું છે. એક પત્રમાં તેમણે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલો વિષય ગણાવતાં આમાં દોષિતો સામે કડક કાર્યવાહીની માગણી કરી છે. તેમણે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમા હસ્તક્ષપે કરવાની અપીલ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, બન્ને નેતાઓને તેમનો નમ્ર અનુરોધ છે કે, આ પ્રકરણમાં ગુનેગારો સામે સખત કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે.

 

 


ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફીફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ: નોર્વે સામે હારી બ્રાઝિલ બહાર નોર્વેના અર્લિંગ હાલેન્ડે બે અદ્ભુત ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું July 07, Tue, 2026