• મંગળવાર, 07 જુલાઈ, 2026

ભાગેડુ નીરવ મોદીનું ગમે ત્યારે પ્રત્યાર્પણ

યુકેની કોર્ટે અંતિમ અરજી ફગાવી : ભારતને સોંપવાની વહીવટી તૈયારીઓ

નવી દિલ્હી, તા. 6 : ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અરજી ફગાવાતાં હવે તેના પ્રત્યાર્પણમાં કોઈ અવરોધ બાકી રહ્યો નથી. યુકે સરકારે નીરવ મોદીને ભારતને સોંપવાની વહીવટી તૈયારીઓ ઝડપી બનાવી છે અને ભારતીય અધિકારીઓ સાથે રાજદ્વારી સંકલન ચાલી રહ્યું હોવાની વિગતો બહાર આવી હતી. એક મીડિયા હેવાલ મુજબ, યુકેની સ્થાનિક અદાલતોમાં અપીલના તમામ વિકલ્પો અજમાવી લીધા બાદ નીરવ મોદીએ એપ્રિલમાં ઈસીએચઆર સમક્ષ અંતિમ અરજી દાખલ કરી હતી. અદાલતે તેને કોઈ વચગાળાની રાહત કે સ્ટે આપ્યો ન હતો. આ સાથે જ, તેના પ્રત્યાર્પણને પડકારવાનો છેલ્લો કાનૂની વિકલ્પ પણ સમાપ્ત થઈ ગયો છે. પરિણામે, ગમે ત્યારે તેનું પ્રત્યાર્પણ થઈ શકે છે.

નીરવ મોદી માર્ચ 2019થી લંડનની એચએમપી વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. આ સમયગાળા દરમિયાન, તેણે જામીન મેળવવા અને પોતાના પ્રત્યાર્પણનો વિરોધ કરવા માટે બ્રિટિશ અદાલતોમાં અનેક અરજીઓ કરી હતી, પરંતુ દરેક         વખતે તેને નિષ્ફળતા મળી હતી. એપ્રિલ 2021માં તત્કાલીન ગૃહસચિવ પ્રીતિ પટેલે તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.

માર્ચ 2026માં નીરવ મોદીએ ફરી એકવાર પ્રત્યાર્પણની કાર્યવાહી અટકાવવાનો પ્રયાસ કર્યો અને દલીલ કરી કે, જો તેને ભારત મોકલવામાં આવે તો તેના પર અત્યાચાર થવાનું જોખમ છે.  આ અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ, ઈસીએચઆર સમક્ષ મનાઈહુકમ મેળવવા માટે એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેને હવે ફગાવી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, પંજાબ નેશનલ બેંક સાથે સંકળાયેલા અંદાજે રૂા. 14,000 કરોડના કથિત છેતરપીંડી અને મની લોન્ડારિંગ કૌભાંડમાં નીરવ મોદી મુખ્ય આરોપી છે. સીબીઆઈ અને ઈડી લાંબા સમયથી તેના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યા છે.

 

 


ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફીફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ: નોર્વે સામે હારી બ્રાઝિલ બહાર નોર્વેના અર્લિંગ હાલેન્ડે બે અદ્ભુત ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું July 07, Tue, 2026