નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ગાંધીનગરથી ‘શક્તિદૂત 2.0’ યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.11 ઃ ગુજરાત સરકારે ‘શક્તિદૂત યોજના’માં ક્રાંતિકારી સુધારા કરી ‘શક્તિદૂત 2.0’ અમલી
બનાવી છે. ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના ધ્યેય મંત્ર સાથે ‘શક્તિદૂત 2.0’ યોજનાનો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 12મી ઓગષ્ટે મહાત્મા મંદિર, ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાશે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીના હસ્તે 799 પ્રતિભાશાળી
ખેલાડીઓને એવોર્ડ વિતરણ, રાજ્યભરમાં રૂ. 388 કરોડથી
વધુ રકમના વિવિધ રમત સંકુલ-લાઇબ્રેરીનું ઇ-ભૂમિપૂજન અને ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદિપાસિંહજી એવોર્ડ એનાયત કરવામાં આવશે. નવી ‘શક્તિદૂત 2.0’ અંતર્ગત
રમતવીરોના સર્વાંગી વિકાસ માટે આર્થિક સહાયમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ, ખેલાડીઓની જરૂરિયાત અને પ્રદર્શનના આધારે મહત્તમ સહાય રૂ. 25 લાખથી
વધારીને રૂ.50 લાખ સુધી કરવામાં આવી છે. પેરા, ડેફ, બ્લાઈન્ડ અને અન્ય દિવ્યાંગ ખેલાડીઓને પણ યોજના અંતર્ગત સમાન તક અને સમાન સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. યોજના અંતર્ગત ખેલાડીઓની સંખ્યામાં પણ તબક્કાવાર વધારો કરાશે. ગ્રાસરૂટ લેવલથી જ નવી પ્રતિભાઓને ઓળખી શકાય તે માટે અરજી કરવા માટેની લઘુત્તમ વયમર્યાદા પણ 12 થી
20 વર્ષ હતી. તે ઘટાડીને 9 વર્ષથી ઉપર કરવામાં આવી છે.
આ ઉપરાંત, શક્તિદૂત યોજનામાં સામેલ ન હોય પરંતુ વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ‘શક્તિદૂત બી’ પહેલ હેઠળ તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ખેલાડીઓના વાર્ષિક અને દ્વિ-વાર્ષિક મૂલ્યાંકન દ્વારા પ્રદર્શનના આધારે કેટેગરી અપગ્રેડ કરવાની પારદર્શક સિસ્ટમ પણ વિકસાવવામાં આવી છે.
શક્તિદૂત યોજના અંતર્ગત ખેલાડીઓ દ્વારા વર્ષ 2015થી અત્યાર સુધી રાષ્ટ્રીય ક્ષેત્રે 831 મેડલ
અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 773 મેડલ
આમ કુલ 1604 મેડલ
પ્રાપ્ત કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.