• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

સીરિયાનાં પૂર્વ રાષ્ટ્રપતિ અસદને સજા-એ-મોત

ગૃહયુદ્ધમાં કત્લેઆમનાં અપરાધમાં અદાલતનો ફેંસલો અસદનાં ભાઈને પણ મૃત્યુદંડ

દમિશ્ક, તા.11 સીરિયાની એક અદાલતે આજે એક શકવર્તી ચુકાદામાં દેશના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને તેમના નાના ભાઈને ફાંસીની સજા જાહેર કરી છે. સીરિયામાં 14 વર્ષ સુધી ચાલેલા સંઘર્ષ દરમિયાન માનવતા વિરોધી અપરાધો અને યુદ્ધ અપરાધો બદલ તેમને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો છે. સંઘર્ષમાં લગભગ પાંચ લાખ લોકો મરાયા હતા. બંનેને તેમની ગેરહાજરીમાં સજા સંભળાવવામાં આવી હતી. કેસમાં અસદના પિતરાઈ ભાઈ આતીફ નજીબને પણ ફાંસીની સજા આપવામાં આવી છે, કારણ કે તેમણે દક્ષિણ પ્રાંત દારામાં એવી કાર્યવાહીનું નેતૃત્વ કર્યું હતું, જેના કારણે બળવો શરૂ થયો અને બાદમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જ્યારે ન્યાયાધીશે સજા સંભળાવી ત્યારે નજીબ કેદીઓના કપડાં પહેરીને એક પાંજરામાં ઊભા હતા. ડિસેમ્બર 2014માં જ્યારે બળવાખોરો દમિશ્કમાં પ્રવેશ્યા ત્યારે અસદ અને તેમના ભાઈ માહેર રશિયા ભાગી ગયા હતા. બાદમાં નજીબની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જેમની સામે કાનૂની કાર્યવાહી થઈ તેવા ઉચ્ચ પદસ્થ હોદ્દેદારોમાં તેમનો પણ સમાવેશ થયો હતો.

નજીબ સીરિયાની સેનાના ભૂતપૂર્વ બ્રિગેડિયર જનરલ છે. 2011માં અસદના શાસન દરમિયાન તેઓ દક્ષિણ સીરિયાના દારા પ્રાંતમાં રાજકીય સુરક્ષા એકમના વડા હતા.

હાલ સીરિયામાં અલ-શારા સરકારનું શાસન છે, જે તુર્કીની મદદથી સત્તામાં આવી છે. તાજેતરમાં સીરિયાના રાષ્ટ્રપતિ અલ-શારાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. અલ-શારા અમેરિકા સાથેના સંબંધો પણ મજબૂત કરી રહ્યા છે. નિર્ણયથી સીરિયાના લોકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે. બશર અલ-અસદે તેમના પિતાના અવસાન બાદ વર્ષ 2000માં સત્તા સંભાળી હતી. અસદના પિતા હાફિઝ અલ-અસદે લગભગ 30 વર્ષ સુધી સીરિયા પર શાસન કર્યું હતું. બશર અલ-અસદે ડિસેમ્બર 2024માં પદ પરથી હટાવવામાં આવ્યા ત્યાં સુધી સત્તા સંભાળી હતી. સીરિયામાં વર્ષ 2011માં ગૃહયુદ્ધ શરૂ થયું હતું. અસદની સેનાએ તેને બળપ્રયોગ દ્વારા કચડવાને પ્રયાસ કર્યો હતો. અશાંતિ ઝડપથી સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ હતી અને કત્લેઆમ મચાવી દેવામાં આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક