નવી દિલ્હી, તા.11: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે અમેરિકન કોર્ટમાં ચાલતા ગુનાહિત આરોપોને કોર્ટએ ફગાવી દીધા છે. ન્યૂયોર્કના ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગારૌફિસે ફેડરલ પ્રોસિક્યુટર્સને આરોપો પાછા ખેંચવાની મંજૂરી આપતા આ કેસ બંધ કરવાનો ચુકાદો આપ્યો છે. આ મહત્ત્વપૂર્ણ નિર્ણય બાદ ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોતાની પ્રતિક્રિયા આપતા ન્યાયપ્રણાલી પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ પડકારજનક સમયમાં સત્ય, નિષ્પક્ષતા અને કાયદાનાં શાસનમાં તેમનો વિશ્વાસ હંમેશાં અડીખમ રહ્યો છે. કોર્ટના નિર્ણય પહેલા, જજે કાયદાકીય બાબતો અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને સરકારી વકીલો (પ્રોસિક્યુટર્સ) પાસે કેસ પાછો ખેંચવાનું કારણ માગ્યું હતું. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (ડીઓજે)ના ખુલાસાથી સંતોષ માનીને જજે સ્પષ્ટ કર્યું કે આરોપો રદ કરવાનો આ નિર્ણય સંપૂર્ણપણે કાયદાના દાયરામાં અને ન્યાયના સિદ્ધાંતો મુજબ જ લેવાયો છે. ડીઓજેએ પણ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે અદાણી ગ્રુપ સામેનો આ કેસ કાયદાકીય રીતે નબળો હતો અને અમેરિકાના અધિકાર ક્ષેત્રની બહારનો હોવાથી, તે ક્યારેય દાખલ જ નહોતો થવો જોઈતો.