ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે પોતાની નિયુક્તિ થયા પછી ઘણા સમયે રાષ્ટ્રીય સંગઠનનું પોતાનું નવું માળખું જાહેર કર્યું, 65 પદાધિકારીના આ કાફલામાં 51 નવા ચહેરા છે, 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, આઠ મહામંત્રીનો સમાવેશ છે. પીયૂષ ગોયલને કોષાધ્યક્ષનું ઉત્તરદાયિત્વ સોંપીને તેમની નિષ્ઠા અને કૌશલ્યને પાર્ટીએ - નીતિને પ્રમાણ્યું એમ કહી શકાય, સરકારી કામ ઉપરાંત હવે તેઓ સંગઠનમાં પણ પોતાના અનુભવનો નિચોડ આપશે. સંગઠન મંત્રી તરીકે બી.એલ. સંતોષને પસંદ કરાયા છે. આખી ટીમ સંતુલિત દેખાઈ રહી છે.
આ યાદીને
હોદ્દાની યાદી માત્ર તરીકે જોવી ભૂલ ભરેલો દૃષ્ટિકોણ રહેશે. કોઈ પણ રાજકીય પક્ષ માટે
સંગઠનની રાષ્ટ્રીય ટીમ તેની આગામી રાજકીય યાત્રા માટેનો નકશો છે. ભાજપ સંગઠન, આયોજન,
વિવિધ સ્તરીય વ્યવસ્થા માટે જાણીતો પક્ષ છે. રાષ્ટ્રીય રાજનીતિમાં બે બેઠકથી શરૂ કરીને
આજે કેન્દ્રમાં તથા બાવીસ રાજ્યમાં ભાજપ સત્તા પર હોય તો તેમાં ઝંઝાવાતી પ્રચાર, રાજકીય
હવામાન ઉપરાંત તેના કાર્યકર્તાઓ અને સંગઠનની રચના પણ શ્રેયસ્કર છે. 2014માં ભાજપ કેન્દ્રમાં
સત્તા ઉપર આવ્યો, તેનો વિજયરથ છેક પશ્ચિમ બંગાળમાં પહોંચી ગયો તે દેશ-દુનિયાની નજર
સામે છે તેમ છતાં આજે દેશનું રાજકીય હવામાન એવું છે કે, ભાજપને શિથિલ રહેવું પાલવે
તેમ નથી.
વિવિધ
આંદોલનો, યુવાપેઢીનાં મનોવલણનું ભાજપે ધ્યાન રાખવું પડે તેમ છે. 2027નું વર્ષ ચૂંટણીઓનું
છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. 2029ની લોકસભા
ચૂંટણી પૂર્વેની આ ચૂંટણી સ્વાભાવિક રીતે અગત્યની છે. નવું રાષ્ટ્રીય સંગઠન આ ચૂંટણીનું
આયોજન અને અમલ કરવામાં નિર્ણાયક રહેશે. નીતિન નબીને અનુભવી સંગઠનકર્મીઓ અને નવા કે
યુવાન કાર્યકર્તાઓનું સાયુજ્ય સાધ્યું છે. વસુંધરા રાજે સીંધિયા, રામ માધવ, સ્મૃતિ
ઈરાની સહિતના ચહેરાઓ વર્ષોથી જાહેરજીવનમાં - પક્ષમાં વિવિધ જવાબદારી નિભાવી ચૂક્યા
છે. રામ માધવ અને સ્મૃતિ ઇરાનીનું પુનરાગમન સૂચક છે, સંપર્કની દૃષ્ટિએ ભાજપે અનુભવી
અને વ્યાપક જાહેર સંપર્કની ક્ષમતાને ઉપયોગમાં લીધી છે. ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી
વિપ્લવ દેવની પણ સંગઠનમાં સેવા લેવામાં આવી છે.
નવાં
માળખાંમાં ભિન્ન-ભિન્ન પ્રાંત, સામાજિક સમુદાયને સ્થાન અપાયું છે. 10 મહિલા અને છ લઘુમતી
સમુદાયના નેતાઓનો સમાવેશ છે. જે સમાજ સંગઠનમાં સમાવિષ્ટ છે તેમનું પાર્ટી સાથેનું જોડાણ
અગત્યનું છે તેટલું જ મહત્ત્વ તેમના પ્રશ્નોના ઉકેલનું છે. જો કે, લોકતંત્ર અને સંવિધાન
તો તમામ સમાજ - જ્ઞાતિ - ધર્મને સમાન ગણે છે. રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનાં મહિલા અગ્રણી
સુરેન્દ્રનગરનાં પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપાઈ
છે. હેમાંગ જોશીને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ અપાયું
છે. ગુજરાત ભાજપની સંગઠન ક્ષમતાની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે. તેજસ્વી સૂર્યા-ભારતની
યુવા પેઢીને આકર્ષીને કોકરોચનો પ્રતિકાર કરી શક્યા નહીં તેથી આ પરિવર્તન જરૂરી હતું.
સોશિયલ મીડિયા- આઇ.ટી. સેલનાં માળખાંમાં પણ પરિવર્તન થયાં છે. યુવા પેઢીનાં આંદોલન
પછી હવે ભાજપ પોતાના પ્રચાર-પ્રસારનો તે વિસ્તાર વધારે મજબૂત બનાવશે તેવી શક્યતા વધી
જાય છે. ભારત સરકાર અને ભાજપ માટે દેશની યુવા પેઢીનું સમર્થન મેદાનમાં અને ઓનલાઇન બંને
મોરચે જરૂરી છે. કોકરોચ પાર્ટીએ ઘણા ઓછા સમયમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ઇન્સ્ટાગ્રામમાં
પાછળ રાખી દીધા હોવાનો સ્વીકાર થાય છે. પક્ષની દેશ-પ્રજા પ્રત્યેની મોટી જવાબદારી એ
રહેશે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ ન થાય, પક્ષનો પ્રચાર ભલે ધમધોકાર થાય પરંતુ તથ્યો-સત્યો
ચલિત થવાં જોઈએ નહીં.
આમ
જોઈએ તો, ભાજપ સામે અત્યારે વિરાટ કહી શકાય તેવો પડકાર નથી. વિપક્ષ મથામણ કરે છે, પરંતુ
એકતા સાધી શકતો નથી. કોઈ મુદ્દો ઉપસ્થિત થાય તો તેને પક્ષ-સરકાર પહોંચી વળે છે, તેમ
છતાં કોઈ પણ સ્થિતિને હળવાશથી લેવાની ભાજપને ટેવ નથી. હરીફને ક્યારેય તે ઓછા નથી આંકતો.
ચૂંટણી આવે ત્યારે જ પ્રજાની વચ્ચે જવું તેવું તેનું વલણ નથી. સૌથી અગત્યની વાત એ છે
કે, સમયની સાથે તે પરિવર્તન અપનાવે છે. સંગઠનનું નવું માળખું તેનું ઉદાહરણ છે. જો કે,
રાજકીય ક્ષેત્રે જે વાતાવરણ છે તે જોતાં નવી ટીમના પરિશ્રમની કસોટી તો છે જ.