ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે ત્રણ અભિનેતાઓને આપેલી નોટિસ ટાણાસરની ટકોર છે. પ્રસિદ્ધિ કે આર્થિક લાભને લીધે સામાન્ય જન, ખાસ તો યુવાનોના જીવન કે સ્વાસ્થ્ય ઉપર જોખમ ઊભું થાય તેવા વિજ્ઞાપનોથી તેમણે દૂર રહેવું જોઈએ તેવું આ વિભાગ માને છે. સામાજિક ઉત્તરદાયિત્વ આમ તો સ્વેચ્છા અને સ્વજાગૃતિને લીધે પ્રગટ થતો ભાવ છે પરંતુ જ્યારે સ્વયંભૂ તે ન થાય ત્યારે સત્તા કે કાયદાએ આ કામ કરવું પડે. એફડીએ એ કરેલું આ કામ સર્વત્ર આવકાર પામ્યું છે. શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફ ત્રણેય જનપ્રિય સિને કલાકારો છે, જેમને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત નોટિસ ફટકારાઈ છે.
મુદ્દો
છે ઈલાઈચી- એલચીના નામે કેન્સર વેચવા કે વહેંચવાનો. પાન મસાલાના વિજ્ઞાપનમાં અભિનેતાઓ
જે કંઈ બોલે છે તેમાં એવો ઉલ્લેખ પણ છે કે આમાં એલચીનો સ્વાદ અને સુગંધ છે. પાંચ કે
દસ રૂપિયાના પડીકાંમાં એલચી આ ઉત્પાદકોને કેવી રીતે પરવડે તેવો સવાલ આ મોડેલ્સને થયો
નથી પરંતુ એફડીએને થયો. પાન-મસાલા ગ્રાહકોને
પણ થવો જોઈએ. અહીં એફડીએ કમિશનર તુકારામ મુંડેના વલણની પ્રશંસા થઈ રહી છે. ત્રણેય લોકપ્રિય
અભિનેતાને તેમણે નોટિસ આપી છે. પ્રશાસનની કાર્યવાહી યોગ્ય છે પરંતુ આવી નોટિસ આપવાની
નોબત આવવી જોઈએ નહીં. આવા વિજ્ઞાપનથી કોઈ મોડેલ, કલાકાર કે સેલિબ્રિટીને પોતાને જે
મળતું હોય તે પરંતુ તેઓ સમાજને શું આપે છે તે
નિસબત હોવી જોઈએ.
ક્રિકેટર,
કલાકાર, કોઈ ક્ષેત્રના મોટા વ્યક્તિને પોતાના વ્યવસાય થકી આર્થિક પ્રગતિ કરવાનો અધિકાર
છે. તેમણે કેવી ભૂમિકા કરવી, કેવી ન કરવી તેના ઉપર કોઈ બંધન ન હોય પરંતુ જ્યારે તેઓ
જનપ્રિય થઈ જાય, વિશાળ વર્ગ તેમને અનુસરે, તેમની શૈલી અપનાવે ત્યારે સમાજ પ્રત્યે તેમની
પણ જવાબદારી હોય. કોઈ અભિનેતા કે ક્રિકેટર પોતાના અંગત જીવનમાં કંઈ કરે તે તેમનો અધિકાર
છે. કોઈને સિગારેટ કે શરાબનું વ્યસન હોય તો હોય, કોઈ ફિલ્મની વાર્તાની જરૂરત હોય તે
કે વ્યસન કે અયોગ્ય વર્તન કરતા દેખાય તો પણ બરાબર છે પરંતુ તેઓ લોકોમાં ચાહના પામ્યા
હોય પછી તેઓ જો વ્યસનનું વિજ્ઞાપન કરે તો સંદર્ભ બદલાઈ જાય.
યુવાપેઢી
કલાકાર કે ક્રિકેટરને અનુસરતી હોય. તેઓ તેમના રોલમોડેલ હોવા જોઈએ કે નહીં તે પ્રશ્ન
અલગ છે પરંતુ હોય છે. આ સ્થિતિમાં પોતાને જે સમાજ પ્રસિદ્ધિ આપે, લોકચાહના આપે, સંપત્તિ
આપે તેને નુકસાન પહોંચે તેવા વિજ્ઞાપન થવાં જોઈએ નહીં. એફડીએએ આપેલી નવ પાનાની નોટિસની
અસર ત્રણ કલાકારોને થાય તેવી આશા રાખી શકાય સાથે અન્ય કલાકારો પણ આ પ્રવૃત્તિથી દૂર
રહી શકે તો સારું, આવો કોઈ કાયદો ભલે ન હોય
પરંતુ આ સમાજના ભલા માટે જરૂરી છે.