-ડ્રોનથી 24 કલાક સિંહોનું ટ્રાકિંગ, 4 વોચ ટાવર અને 4 કેબિન બનશે ; સાયલેન્ટ ઝોન માટે પણ વિચારણા
-યાત્રાળુઓની સુરક્ષા માટે ગાંધીનગર ખાતે વન મંત્રીની અધ્યક્ષતામાં જૈન આગેવાનોની બેઠક યોજાઈ
ભાવનગર, અમદાવાદ, તા.18 ઃ ગુજરાત અને ભારતના પ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણામાં આવેલા પવિત્ર શૈત્રુંજય પર્વત પર છેલ્લા થોડા સમયથી એશિયાઇ સિંહોની અવર-જવર જોવા મળી રહી છે. જેનાં પગલે યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિ અને વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં આણંદજી કલ્યાણજી પેઢીના જૈન આગેવાનો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વન વિભાગ દ્વારા કરવામાં આવનાર કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં લોકજાગૃતિ અને સંકલન, વન અને વન્ય જીવ સંરક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેબિટાટ મેનેજમેન્ટ, ટ્રાકિંગ-સ્કાનિંગ, પ્રી-ફેબ્રિકેટેડ વોચ ટાવર, સિડી સાથે પ્રી-ફેબ્રિકેટેડ સેન્ટર કમ કેબિન, માનવ સંશાધન સશક્તીકરણ, ડ્રોન ટેકનોલોજી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, સાયલેન્ટ ઝોન તેમજ છ ગાઉં યાત્રા જેવી વિશેષ કામગીરીઓ અંગે વ્યાપક ચર્ચા-િવચારણા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પાલિતાણાના શૈત્રુંજય પર્વત પર આવતા યાત્રાળુઓની સુરક્ષા માટે અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા રાત-િદવસ સતત નિરિક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત 4 પ્રી-ફેબ્રિકેટેડ વોચ ટાવર, 4 પ્રી-ફેબ્રિકેટેડ સેન્ટર કમ કેબિન તેમજ સતત ટ્રાકિંગ અને સ્કાનિંગ દ્વારા સિંહોની હિલચાલ પર બાજ નજર રખાશે. આ વિસ્તારને ‘સાયલેન્ટ ઝોન’ તરીકે જાહેર કરવા અંગે પણ ગંભીરતાથી વિચારણા હાથ ધરવામાં આવી છે.
સિંહોના ટ્રાકિંગ અને યાત્રાળુઓની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે હંગામી ધોરણે સ્થાનિક યુવાનોની ભરતી કરવામાં આવશે. સાથે જ પર્યાવરણને ધ્યાનમાં રાખીને યાત્રા માર્ગનું સમારકામ કરવામાં આવશે જેથી યાત્રાળુઓ સરળતાથી ચાલી શકે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વન વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં આ વિસ્તારમાં વિહરતા સિંહોનું પૂનમ અવલોકન અને વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સિંહની કુદરતી પ્રકૃતિ ક્યારેય સામેથી મનુષ્ય પર હુમલો કરવાની હોતી નથી, પરંતુ જ્યારે તેને રંજાડવામાં આવે ત્યારે જ તે હુમલો કરે છે. વન્ય પ્રાણીઓના હિત અને સુરક્ષાનાં કારણોસર યાત્રાળુઓ માટે એ હિતાવહ છે કે તેઓ સૂર્યોદય પછી પોતાની યાત્રા શરૂ કરે અને સાંજે સૂર્યાસ્ત પહેલાં યાત્રા પૂર્ણ કરે.
બેઠકમાં ઉપસ્થિત રહેલા આણંદજી કલ્યાણજી પેઢીના જૈન આગેવાનોએ જણાવ્યું હતું કે, પર્યાવરણ અને વન્ય જીવોના જતન માટે અમારો હંમેશાં વન વિભાગ સાથે ઉત્તમ અને હકારાત્મક અનુભવ રહ્યો છે. અમે હંમેશાં યાત્રાળુઓને શિસ્ત અને શાંતિપૂર્વક પોતાની યાત્રા પૂર્ણ કરવા માટે આગ્રહ કરતા હોઈએ છીએ, જેથી વન્યજીવોને કોઈપણ પ્રકારની કનડગત ન પહોંચે.