• રવિવાર, 05 મે, 2024

લોકશાહીના મહાપર્વમાં મર્યાદા ભંગની પરંપરા

લોકસભાની ચૂંટણીનો બીજા તબક્કો નજીક છે. દેશમાં ગરમીની સાથે જ રાજકીય ગરમી વધી રહી છે. જે સમસ્યા છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્ર વ્યાપી છે. તે આ વખતે પણ દેખાઈ રહી છે અને તે છે નેતાઓના અનિયંત્રિત નિવેદનો અને પ્રવચનોની સૌરાષ્ટ્રથી લઈને રાષ્ટ્ર સુધી ચેપી રોગની જેમ આ નિવેદનો ફેલાઈ રહ્યા છે. એક તરફ ચૂંટણીને આપણે લોકશાહીનું પર્વ કહીએ છીએ. વિશ્વનું સૌથી મોટું ગણતંત્ર એવું આપણું રાષ્ટ્ર આ પર્વ ઉજવી રહ્યું છે. 140 કરોડ નાગરિકોના દેશનું સંચાલન સોંપવા માટેની વિરાટ પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં નેતાઓના શબ્દો વાતાવરણ ડહોળી રહ્યા છે.

સ્થાનિક કક્ષાએ કે બીજી, ત્રીજી કક્ષાના નેતાના નિવેદનોની ચર્ચા સતત થાય છે પરંતુ ઘણી વાર રાષ્ટ્રીય સ્તરેથી થતા નિવેદનો પણ ચર્ચા અને ચકચાર જગાવી દેતા હોવાના ઉદાહરણ આજે પણ ઉપલબ્ધ છે. ચૂંટણી હોય એટલે રાજકીય પક્ષો પોતાનો પ્રચાર કરે. એકબીજાની વિરૂદ્ધ વક્તવ્યો આપે કે નિવેદન કરે તે બધું સહજ છે પરંતુ માન મર્યાદા મુકીને વ્યક્તિગત આક્ષેપો પર વાત જાય ત્યારે વિવાદો સર્જાય અને તે રાજકીય ઉપરાંત સામાજિક વાતાવરણ પર અસર પાડે છે.

લોકસભાની આ ચૂંટણીની શરૂઆતમાં જ રાજકોટ બેઠક પર જે વિવાદ થયો તે અત્યંત જાણીતો છે અને તેના પ્રત્યાઘાત હજુ સંભળાઈ રહ્યા છે. ત્યાર બાદ જુદા જુદા સ્થળે જુદી જુદી સભા કે બેઠક સ્થળે થયેલા નિવેદનો ચર્ચામાં રહ્યા છે. જૂનાગઢમાં રાજા-મહારાજાઓ વિશે થયેલી વાત હોય કે રાહુલ ગાંધી વિશે થયેલું નિવેદન કે પછી અમરેલીમાં બનેલી ઘટના. આ તમામ અને તે સિવાયના અમુક ઉચ્ચારણો તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી. વર્તમાન કે દિવંગત નેતાઓ વિરૂદ્ધ અભદ્ર શબ્દો ઉચ્ચારવા, અકારણ અને તર્ક વગરની ટીકાઓ કરવી કે નેતાઓ પાસે અપેક્ષિત નથી. કોઈ રાજકીય પક્ષમાં હોદો ધરાવતા કે પછી ભવિષ્યમાં કોઈ પદ ગ્રહણ કરનારા વ્યક્તિઓએ એ સમજવું જરૂરી છે કે, તેમના શબ્દોની અસર મતદારોના-નાગરિકોના મોટા વર્ગ પર થતી હોય છે.

અગાઉ એવું પણ બન્યું છે કે, કોઇ એક નિવેદન કે એક શબ્દના ઉપયોગના લીધે ચૂંટણીના પરિણામ બદલાઇ ગયા છે. કોઇપણ પક્ષના નેતા કે કાર્યકર્તાએ યાદ રાખવું જરૂરી છે કે, તેમની વિચારધારાથી અલગ વિચાર ધરાવનાર વ્યક્તિ શત્રુ નથી માત્ર સામેના પક્ષના ઉમેદવાર છે. આજે થયેલું નિવેદન ચૂંટણી પછી પણ વરસો સુધી રાજકિય અને સામાજિક અસરો સર્જનારું બની રહે. ચૂંટણીમાં પોતાના પક્ષ કે મુદ્દાનો પ્રચાર કરવો તેને પ્રાધાન્ય અપાવું જોઈએ. યોગ્ય મર્યાદામાં સામેના પક્ષ કે ઉમેદવારની ટીકા પણ થાય પરંતુ સ્તર વગરના આક્ષેપો અને નિમ્ન સ્તરના શબ્દોનો પ્રયોગ વાતાવરણને અસર કરે. આ સમજણ તો સામાન્ય કાર્યકરથી માંડીને ઉચ્ચ કક્ષાના નેતાઓ સુધી સૌએ કેળવવી રહી. 

ઇ-પેપરના નવા શુલ્ક