• શનિવાર, 04 મે, 2024

શિક્ષકોની ભરતી રદ : મમતાદીદીનું નાક કપાયું

કલકત્તા હાઈ કોર્ટની બેન્ચે બંગાળના શાળા શિક્ષક ભરતી કૌભાંડમાં 2016ની આખી ભરતી પ્રક્રિયા રદ કરી નાખી છે. કોર્ટે જુદાં જુદાં ધોરણના કેટલાંક ગ્રુપના મળીને 25,753 શિક્ષકોની નિયુક્તિઓને ગેરકાયદે ઠેરવી છે. ચુકાદામાં કોર્ટે 2017માં પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા પંચ દ્વારા ગઠિત પૅનલને રદ કરી છે અને આદેશ આપ્યો છે કે ગેરકાયદે ભરતી કરવામાં આવેલા શિક્ષકોએ ચાર અઠવાડિયાંની અંદર છેલ્લાં સાત-આઠ વર્ષનું વેતન વ્યાજ સહિત પરત કરવાનું રહેશે. આ ચુકાદાથી મુખ્ય પ્રધાન મમતા બેનરજીનું નાક કપાયું છે. સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરે છે પણ જનતાની નજરમાં એમનો ભ્રષ્ટાચાર શિક્ષણ ક્ષેત્રમાં પુરવાર થયો છે.

બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી દોષી ઠરાવવામાં આવનારા લોકોને આજીવન કારાવાસ આપવા સુધીની વકાલત પણ કરતાં આવ્યાં છે, પરંતુ હકીકત એ છે કે 2014-16 દરમિયાન જ્યારે શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ભારે અનિયમિતતાની ફરિયાદો આવવાની શરૂ થઈ ગઈ હતી. લગભગ સાડા ચોવીસ હજાર ખાલી પદો ભરવા માટે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ‘પરીક્ષા’ આપી હતી. પાછળથી ફરિયાદ હાઈ કોર્ટમાં પહોંચી કે જે ઉમેદવારોનાં નામ મેરિટ લિસ્ટમાં હતાં નહીં, તેમને પણ નોકરી આપવામાં આવી છે. કેટલાક અરજદારોને તો શિક્ષકોની ભરતી માટે આવશ્યક મનાતી ટીઈટી પરીક્ષામાં ઉત્તીર્ણ કર્યા વિના જ શિક્ષક બનાવી દેવામાં આવ્યા હતા. કલકત્તા હાઈ કોર્ટના આદેશ પર જ્યારે સીબીઆઈએ આની તપાસ શરૂ કરી ત્યારે પણ મમતા બેનરજીએ તત્કાલીન શિક્ષણપ્રધાન પાર્થ ચેટરજી વિરુદ્ધ કોઈ પગલું લેવાનું આવશ્યક નહોતું સમજ્યું. પાર્થ ચેટરજીને પ્રધાનમંડળમાંથી 2022માં હટાવવામાં આવ્યા જ્યારે તેમનાં નિકટનાં અર્પિતા મુખરજીના કોલકાતાનાં ઘરોથી ઈડીને કરોડો રૂપિયાની રોકડ અને અલંકારો મળ્યાં હતાં. આ કૌભાંડ કયા સ્તર પર થયું, તેની કલ્પના એ તથ્યથી કરી શકાય છે કે પાર્થ ચેટરજી કોઈ મામૂલી પ્રધાન ન હતા, તેઓ મમતાદીદીના લગભગ ચાર દશકા જૂના સહયોગી હતા.

આ સંપૂર્ણ કૌભાંડમાં એ જ જણાય છે કે મમતા બેનરજીએ સાર્વજનિક જીવનની સુચિતાથી કંઈક વધુ મહત્ત્વ રાજકીય મોરચે પોતાનો કિલ્લો બચાવવાને આપી છે. દીદી બેશક હાઈ કોર્ટના ચુકાદા વિરુદ્ધ ટોચની કોર્ટમાં જવાની વાત કરે છે, પરંતુ એ તથ્ય છે કે સંદેશખાલી પછી વિપક્ષોને મમતા સરકારને ઘેરવાનો એક મોટો મુદ્દો મળી ગયો છે. ખરો ગુનેગાર એ વ્યવસ્થા છે, જેમાં લગભગ 24 હજાર યુવાનો પોતાના ભવિષ્યને અધ્ધરતાલ જોઈ રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક