• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

માનસિક અસ્થિર પિતાને સગીર પુત્ર, પુત્રીએ લાકડીઓ મારી પતાવી દીધા

કુવાડવા નજીક સણોસરાનો કમકમાટીભર્યો બનાવ:  રાજકોટમાં ઘંટેશ્વર પાસે એક યુવાનની હત્યા

દિવાળી પર્વ દરમિયાન રાજ્યમાં 10 ખૂન :  સંવત 2081નો અંત અને 82નો આરંભ લોહિયાળ

રાજકોટ, તા.25 (ફૂલછાબ ન્યૂઝ) કાળી ચૌદસની રાત્રીએ રાજકોટમાં ત્રણ અને બીજા દિવસે એક હત્યા થયાની ઘટના બાદ વિક્રમ સંવત 2082નો આરંભ પણ લોહિયાળ થયો છે. રાજ્યના વિવિધ હિસ્સામાં હત્યાના દસ બનાવ નોંધાયા છે. રાજકોટમાં તાજેતરનો બનાવ તો અત્યંત ગંભીર છે. માનસિક અસ્થિર પિતાને તેના પુત્ર અને પુત્રીએ જ મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાએ ચકચાર ફેલાવી છે.

પોલીસ સુત્રોએ આપેલી વિગત અનુસાર રાજકોટ નજીક સણોસરા ગામે રહેતા સુમાભાઈ સકરિયાભાઈ મેડાને તેના સગીર પુત્ર અને પુત્રી કાજલે દોરડાંથી બાંધી, લાકડીથી માર માર્યો હતો. તેને એટલી હદે લાકડીના ઘા માર્યા કે તેઓનું મૃત્યુ થયું હતું. આ વિગતો આપતાં પોલીસને સુમાભાઈના કૌટુંબિક કાકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે સુમાભાઈ માનસિક રીતે અસ્થિર હતા. વારંવાર ઘરેથી ક્યાંક જતા રહેતા હતા. દીકરો-દીકરી આ સ્થિતિથી કંટાળી ગયા હતા. 21મી ઓક્ટોબરે પુત્ર- પુત્રીએ ઉશ્કેરાઈને પિતાને માર માર્યો હતો. તેમનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. કુવાડવા રોડ પોલીસે બન્નેની પિતાની હત્યાના આરોપસર ધરપકડ કરી હતી.

હત્યાનો બીજો બનાવ તા. 25 ઓક્ટોબરે, શનિવારે નોંધાયો હતો. રાજકોટ નજીક ઘંટેશ્વર પાસે બનેલા આ બનાવની વિગત એવી છે કે મનહરપુર ગામે રહેતો વિજય ચુનીભાઈ સોલંકી ઘંટેશ્વર પાર્ક હોટલની સામે હતો ત્યારે ધર્મેશ અને તેની સાથે સુમિત્રા નામની યુવતી તથા બે શખસોએ ઝઘડો કર્યો હતો. ધર્મેશ ઉશ્કેરાયો કે તરત તેને છરીના ઘા મારી દીધા હતા. ધર્મેશનું મૃત્યુ થયું હતું. દેકારો થતાં લોકો એકઠા થયા હતા આરોપીઓ નાસી ગયા હતા. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ અને પછી ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે દોડી ગયા હતા. એલસીબીએ ગણતરીના કલાકોમાં હુમલો કરનારને સકંજામાં લઈને પૂછપરછ શરૂ કરી છે. જૂની અદાવતને લીધે આ હત્યા            થઈ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.

દિવાળી પૂર્વે ગોંડલ રોડ ઉપર આંબેડકર નગરમાં ત્રણ વ્યક્તિની હત્યા થઈ હતી, બીજા દિવસે જામટાવર પાસે સીએલએફ ક્વાર્ટરના મેદાનમાં યુવાનની હત્યા થઈ હતી.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં અનૈતિક સંબંધની શંકાને કારણે કાળી ચૌદશના દિવસે એક યુવકને હત્યા થઈ હતી. જેમાં આરોપી પોતાની પત્નીને અન્ય યુવક સાથે જોઈ જતા ખૂની ખેલ રમાયો હતો. જ્યારે રાણીપમાં દિવાળીના પિતાએ પુત્રની હત્યા કરી છે. બેરોજગાર પુત્ર અવારનવાર ઝઘડો કરીને પિતાને હેરાન કરતો હતો. આખરે ત્રાસી ગયેલા પિતાએ ધારિયાથી પુત્રની હત્યા કરી નાખી. જ્યારે મોરબીના વાકાનેરમાં દિવાળીના દિવસે પાડોશીઓ વચ્ચેના ઝઘડાનું સમાધાન કરાવવા ગયેલા ર0 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી.

જૂનાગઢમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા જેવી બાબતે એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જેના પર નિવૃત્ત પીએસઆઈના પુત્ર અને એક મહિલા સહિત પ લોકોએ હુમલો કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક