• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

આજે લાભપાંચમ : વેપાર-ધંધામાં ફરી ધમધમાટ થશે

દિવાળી બાદ બજારોમાં હજુ હોલિડે મૂડ : સોમવારથી યાર્ડ, બજારોમાં રોનક આવશે

રાજકોટ, તા.25: (ફૂલછાબ ન્યૂઝ) દિવાળીના મિનિ વેકેશન પછી હજુ શનિવારને લીધે મોટાંભાગની બજારો બંધ રહી છે. વળી, લાભપાંચમના દિવસથી બજારો ફરીથી ખોલવાનો રિવાજ હોવાને લીધે શનિવારે કોઇ કામકાજ થયા ન હતા. માર્કેટીંગ યાર્ડ અને બજારોમાં સોમવારથી જ નવી આવક સાથે હરાજી થવાની છે. જોકે આવતીકાલે બધી જ બજારોમાં લાભપાંચમના મુહૂર્ત સાથે કામકાજનો આરંભ થશે. જાહેર રજાને લીધે માત્ર શુકન કરવામાં આવશે. સોમવારથી બજારોમાં ફરીથી ધમધમાટ સર્જાશે.

લાભપંચમીનું સૌથી શુભ મુહદ્નર્ત પંચમી બેલાનું ગણાય છે. જે 26 ઓક્ટોબર સવારે 6.29થી સવારે 10.13 વાગ્યા સુધી છે. આમ પૂજા માટે 3.44 કલાકનો સમય મહત્વનો છે.

દિવાળીના દિવસો દરમિયાન તમામ બજારોમાં ધૂમ ઘરાકી રહી હતી. તમામ બજારોમાં ખૂબ સારા વેપાર થયા પછી હવે નવા વિક્રમ સંવંતે નવી આશા સાથે વેપારનો આરંભ આવતીકાલથી થવાનો છે. અલબત્ત શનિવારે રિટેઇલ કરિયાણાની દુકાનો અને જીવનાવશ્યક ચીજોની દુકાનો ખૂલી હતી પણ બધે બંધ જેવો માહોલ હતો.

સોની બજાર બંધ હતી, જે સોમવારે ખૂલવાની છે. જોકે ધનતેરસ અને દિવાળીએ ભારેખમ તેજી હતી તે ઝાંખી પડી છે એટલે તેના ભાવ હવે કેવા ખૂલે છે તેના પર બજારની નજર છે. વિશ્વ બજાર તૂટવાને લીધે ઘરેલુ બજારમાં પણ ભાવમાં મોટાં ફેરફારો આવશે.છેલ્લે 17 ઓક્ટોબરના દિવસે એમસીએક્સ વાયદામાં સોનાનો ભાવ રૂ.1,34,024ની સર્વાધિક ઉંચાઇએ ગયો હતો. જ્યારે ચાંદી રૂ. 1,70,455ની ઉંચાઇએ ગઇ હતી. 24 ઓક્ટોબરે અર્થાત એક સપ્તાહ પછી સોનાનો ભાવ એમસીએક્સમાં રૂ. 1,23,255 અને ચાંદી રૂ. 1,47,250ના            સ્તરે બંધ થઇ છે. સોનું ટોપથી રૂ. 10,769 અને ચાંદી રૂ. 23,205 ઘટી ગયા છે. વિશ્વ બજારમાં સોનું 4385 ડોલરના ટોપથી 4113 ડોલર અને ચાંદી 54.50 ડોલરના ટોપથી 48.53 ડોલર સુધી પડી હતી.

મલેશિયામાં સીપીઓ વાયદામાં શુક્રવારે 51 રીંગીટના ઘટાડા સાથે 4420 રીંગીટના મથાળે બંધ આવ્યો હતો. બુર્સા મલેશિયામાં પામ ઓઇલ વાયદા સપ્તાહ ફરીથી ઘટાડામાં બંધ થયોકારણ કે વેપારીઓ વિરોધાભાસી સંકેતો વચ્ચે સ્પષ્ટ દિશા શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ચીન અને શિકાગોમાં સોયાતેલના ભાવ ઘટયા, જ્યારે પામ તેલના ભાવ ડેલિયન એક્સચેન્જ પર સ્થિર રહ્યા હતા.

રજાઓ પછી સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવ બોલવાના શરૂ થયા હતા. જોકે રિટેઇલ બજારો આવતીકાલે લાભપાંચમ બાદ શરૂ થશે. સૌરાષ્ટ્રમાં સીંગતેલ લૂઝનો ભાવ રૂ. 1375 રહ્યો હતો. દિવાળીના દિવસે મૂહદ્નર્તના કામકાજો આ જ ભાવથી કરવામાં આવ્યા હતા. ખૂલતામાં દસેક ટેન્કરના કામકાજ હતા.સીંગખોળમાં રૂ. 23000 હતા. ધોરાજી-ઉપલેટા લાઇનમાં તેલિયાનો ભાવ રૂ.2127-2128 હતો.

સૌરાષ્ટ્રમાં કપાસિયા વોશ રૂ. 1240-1245 હતુ. વોશમાં પાંચેક ટેન્કરના સોદા હતા. કંડલા બંદરે પામતેલનો હાજર ભાવ રૂ. 1253-1255 અને સોયાતેલનો ભાવ રૂ.1238 હતો.

યુ.એસ. ફુગાવાના આંકડાઓ અપેક્ષા કરતા થોડા નરમ હોવાથી ફેડરલ રિઝર્વ આવતા અઠવાડિયે વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી અપેક્ષાઓને મજબૂત બનાવ્યા છતાં શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. જોકે કિંમતી ધાતુ પાછલા દસ સપ્તાહથી વધતી હતી અને હવે પ્રથમ સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો છે.

ન્યૂયોર્ક બજારમાં સોનાનો ભાવ શુક્રવારે 4113 ડોલર અને ચાંદીનો ભાવ 48.53 ડોલરની સપાટીએ બંધ થયો હતો.

સપ્ટેમ્બર મહિનાના મુખ્ય સીપીઆઇ ડેટા અપેક્ષા કરતા નીચાં આવવાને લીધે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. પરંતુ સપ્તાહમાં વેચવાલીને લીધે જે ઘટાડો થયો છે તે સરભર થાય તેમ નથી. ભાવની ગતિવિધિ સૂચવે છે કે સોના અને ખાસ કરીને ચાંદીને કોન્સોલિડેશન પહેલાં વધુ એક પગથિયું ઘટાડવાની જરૂર છે તેમ જાણકારો કહે છે. એ જોતા વધુ કરેક્શન આવશે તેમ લાગી રહ્યું છે.

સોમવારે સ્પોટ સોનું 4385 ડોલરની ટોચની સપાટીએ ગયું હતુ. ત્યારથી 6 ટકાનો ઘટાડો આવ્યો છે. રોકાણકારોએ નફો બુક કર્યો હતો. અને અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર તણાવ ઓછો થવાના સંકેતોને લીધે પણ ભારે વેચવાલી આવી હતી.

શ્રમ વિભાગના ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બર સુધીના 12 મહિનામાં યુએસ ગ્રાહક ભાવમાં 3 ટકા નો વધારો થયો છે, જે અર્થશાસ્ત્રીઓની 3.1 ટકાની અપેક્ષા કરતા ઓછો છે. આવતા અઠવાડિયે યુએસ સેન્ટ્રલ બેંકની બેઠકમાં 25 બેસીસ પોઇન્ટનો રેટ કટ આવવાની શક્યતા વધી ગઇ છે. દરમિયાન, વ્હાઇટ હાઉસે ગુરુવારે પુષ્ટિ આપી હતી કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા અઠવાડિયે ચીનના રાષ્ટ્રપતિ શી જિનાપિંગને મળશે, 1 નવેમ્બરથી ચીની આયાત પર વધારાના યુએસ ટેરિફ માટે સમયમર્યાદા છે.જો સોનાના ભાવ 4 હજાર ડોલરથી નીચે જાય તો વધારે વેચવાલીનો દોર જોવા મળશે અને છેક 3850 ડોલર સુધી કરેક્શન આવી શકે છે તેમ ચાર્ટીસ્ટો કહે છે.

ભૂરાજકીય અને વેપાર તણાવ, સેન્ટ્રલ બેંકની મજબૂત ખરીદી અને યુએસ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ અને અન્ય પરિબળોને કારણે બુલિયન આ વર્ષે 55 ટકા વધ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક