દિલ્હીથી સવારની ફ્લાઈટમાં આવેલા મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આપ્યો નિર્દેશ
રાજકોટ,
તા. ર6: રાજકોટના હિરાસર સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થયાને સવા બે વર્ષ પૂરા થયા
છતા હજુ અહીંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થઈ નથી. જોકે આગામી સમયમાં રાજકોટ-દુબઈ વચ્ચે
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થઈ શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આજે
લાભ પાંચમના દિવસથી રાજકોટ-દિલ્હી-રાજકોટ વચ્ચે સવારની સહિત બે ફ્લાઈટ શરૂ થઈ છે. ત્યારે
દિલ્હીથી સવારની એર ઈન્ડિયાની ફ્લાઈટમાંઅન્ય મુસાફરો સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ
માંડવીયા પણ રાજકોટ આવી પહોંચ્યા હતા. તેમણે આ તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થવાના
સૂચક નિર્દેશો આપતા જણાવ્યું હતું કે રાજકોટ, મોરબી ઉપરાંત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો,
વેપારીઓ અને પ્રવાસીઓની ઈચ્છા અને માગણીને ધ્યાનમાં રાખીને રાજકોટથી આંતરરાષ્ટ્રીય
ફ્લાઈટ શરૂ થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઉપક્રમમાં રાજકોટથી દુબઈની ફ્લાઈટ શરૂ
કરવામાં આવે તેવી રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે.
આજે
તારીખ ર6 ઓક્ટોબર, લાભ પાંચમના દિવસે જ રાજકોટ-દિલ્હી વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સે ફ્લાઈટ શરૂ કરી છે.
જેમાં એર ઈન્ડિયાની ફ્લાઈનો શેડયુલ સવારના સમયનો હોવાથી રાજકોટ, મોરબી તથા સૌરાષ્ટ્રના
વેપારીઓ, રાજકીય આગેવાનો, પ્રવાસીઓને તેનો લાભ મળશે એમ પણ મંત્રીએ ઉમેર્યું હતું. આ તકે હર્ષની લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું
કે, રાજકોટ અને દિલ્હી વચ્ચે સવારે બે અને સાંજે બે એમ કુલ મળીને ચાર ફ્લાઈટની કનેક્ટિવિટી
મળતા રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ અને પ્રવાસન ઉદ્યોગને મોટો લાભ થશે. રાજકોટ
સૌરાષ્ટ્રનું વેપાર ઉદ્યોગનું કેન્દ્ર છે. રાજકોટના વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશ
વિદેશના ઉદ્યોગકારોને દિલ્હીથી રાજકોટની ફ્લાઇટની વધુ સુવિધા પ્રાપ્ત થતાં ઉદ્યોગકારોને
લાભ થશે.
સાથોસાથ
રાજકોટ સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં હોવાથી યાત્રાધામ સોમનાથ, દ્વારિકા સહિતના ધાર્મિક
સ્થળો તેમજ પોરબંદર આવતા ઉત્તર ભારતના યાત્રિકોની સુખાકારીમાં વધારો થતા પ્રવાસન ક્ષેત્રે
પણ મોટો લાભ મળશે.
ઉલ્લેખનીય
છે કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ દ્વારા રાજકોટ-દિલ્હીની, ખાસ કરીને સવારની
ફ્લાઈટ શરૂ થાય તે માટે રજૂઆતો કરવામાં આવી હતી, જે ગ્રાહ્ય રખાઈ છે.