જૂનાગઢ, તા.30 : એટ્રોસિટી અને છેડતીના કેસમાં જેલ હવાલે થયેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ સામે જેલમાં મારામારી કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાનો ગુનો દાખલ થયો હતો. આ કેસમાં બે દિવસ પહેલા જ તેનો છૂટકારો થયો હતો. તેનું પાસાનું વોરંટ ઇશ્યૂ થતાં એલસીબીએ તેની ભેંસાણથી અટકાયત કરી અમદાવાદની સાબરમતી જેલ હવાલે કર્યો હતો.
વિસાવદર તાલુકાનાં નાના કોટડા ગામના અને આમ આદમી
પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ છગનભાઇ સાવલિયાનો થોડા સમય પહેલાં વિસાવદરમાં મગફળી કેન્દ્ર
ખાતે બબાલ થઈ હતી, જેમાં એક શ્રમિક મહિલાએ આપના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સામે એટ્રોસિટી
અને છેડતીની ફરિયાદ કરી હતી. આ કેસમાં તેને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જ્યાં
અન્ય એક કેદી સાથે માથાકૂટ થઈ હતી તેમાં પણ હરેશ સાવલિયા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં
મારામારી અને એટ્રોસિટીની ફરિયાદ થઈ હતી. આ કેસમાં બે દિવસ પહેલાં જ હરેશ સાવલિયાનો
જેલમાંથી છૂટકારો થયો હતો. કોર્ટે તેને વિસાવદર તાલુકામાં જવા પર પ્રતિબંધ ફરમાવ્યો
હતો.
જેલમાં થયેલી બબાલ મામલે એ ડિવિઝન
પોલીસ હરેશ સાવલિયા સામે પાસાની દરખાસ્ત કરી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટે વોરંટ ઇશ્યૂ
કરતા એલસીબીની ટીમે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની ભેંસાણના શ્રીનાથનગર
વિસ્તારમાંથી પાસા હેઠળ અટકાયત કરી તેને અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલી આપ્યો હતો.