તાત્કાલિક શપથવિધિ: મુખ્ય પ્રધાન સાથે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતાઓની મુલાકાત બાદ લેવાયો નિર્ણય
મુંબઈ,
તા. 30 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય
પ્રધાન અજિત પવારનું અચાનક અવસાન થવાથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અજિત
પવારના અવસાનથી તેમની ખાલી પડેલી જગ્યાએ તેમના પત્ની સુનેત્રા પવારને પક્ષની જવાબદારી
આજે થનારી પક્ષની બેઠકમાં સોંપવામાં આવશે. એ બાદ તરત જ તેમની નાયબ મુખ્ય પ્રધાન તરીકે
શપથવિધિ થશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા છગન
ભુજબળ, પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેએ મુલાકાત કર્યાં બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું
જાણવા મળ્યું હતું. સુનેત્રા પવાર નાયબ મુખ્ય પ્રધાન બનશે તો તેઓ આ પદ પર પહોંચનારા
મહારાષ્ટ્રના પહેલાં મહિલા નેતા બનશે.
અજિત
પવારના અવસાનને આજે ચાર દિવસ થયા છે. તેઓ રાજ્ય સરકારમાં મહત્વના પદ પર હતા એટલે વધુ
સમય સુધી તેમનું સ્થાન ખાલી ન રાખી શકાય એટલે તેમની જગ્યાએ પક્ષના નેતાની નિયુક્તિ
કરવા માટે આજે વિધાનસભ્યોની બેઠક થશે. આ બેઠકમાં સુનેત્રા પવારની વિધાનસભ્યના નેતાપદે
નિયુક્તિ કરવામાં આવશે. એટલું જ નહીં તેમની આજે જ તાત્કાલિક નાયબ મુખ્ય પ્રધાનપદે શપથવિધિ
કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે. જો કે અજિત પવારના અવસાનને માત્ર ચાર જ દિવસ થયા
છે એટલે શપથવિધિ ખૂબ જ સાદાઈથી કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અગાઉથી નક્કી
કરાયેલા કાર્યક્રમને આધારે શપથવિધિનો દિવસ અને સમય નક્કી થશે, એમ સૂત્રોએ જણાવ્યું
હતું.
અજિત
પવાર પાસે નાણા, નિયોજન, ઉત્પાદન શુલ્ક જેવા મહત્વના ખાતા હતા એટલે તેમના અવસાન બાદ
પણ આ તમામ ખાતા રાષ્ટ્રવાદી કૉંગ્રેસને જ મળે એવી માગણી કરાઈ રહી છે. મુખ્ય પ્રધાન
દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાનપદથી લઈ તમામ બાબતે સહમતિ આપી હોવાનું જાણવા મળ્યું
છે.