• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

ખાલિસ્તાનને પ્રોત્સાહનની આગ કેનેડાને દઝાડશે ? આલ્બર્ટામાં અલગતાવાદીઓએ માથુ ઉંચક્યું : અમેરિકા સાથે બેઠક

ટોરન્ટો, તા.30 : અમેરિકા સાથે તણાવ વચ્ચે કેનેડાના ભાગ્યનું ચક્ર પાછું ફર્યું છે. કેનેડાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહી અધિકારોની આડમાં ભારતીય અલગતાવાદી તત્ત્વો (ખાલિસ્તાન સમર્થકો) ને આશ્રય આપવા માટે જે દલીલોનો ઉપયોગ કર્યો હતો તે જ દલીલોનો ઉપયોગ હવે તેના પોતાના સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાંત આલ્બર્ટામાં અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ભારતે ઘણીવાર કહ્યું છે કે અલગતાવાદને બળતણ આપવું એ બેધારી તલવાર છે. ખરેખર કેનેડાનો તેલ સમૃદ્ધ પ્રાંત આલ્બર્ટા દેશથી અલગ થવાની માગ કરી રહ્યો છે. આ ચળવળનું નેતૃત્વ આલ્બર્ટા સમૃદ્ધિ પ્રોજેક્ટ (એપીપી) નામના જૂથ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ સરકારે આગમાં ઘી ઉમેર્યું છે. આલ્બર્ટા સમૃદ્ધિ પ્રોજેક્ટના નેતાઓએ અમેરિકી અધિકારીઓ સાથે છેલ્લા કેટલાક મહિનામાં ઓછામાં ઓછી ત્રણ બેઠકો યોજી છે.

વધુ એક મહત્ત્વપૂર્ણ બેઠક ફેબ્રુઆરી 2026માં યોજાવાની છે જેમાં યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ સામેલ હોવાનું કહેવાય છે. આલ્બર્ટા સમૃદ્ધિ પ્રોજેક્ટે સ્વતંત્રતાના પહેલા દિવસથી જ અર્થતંત્રને ટેકો આપવા માટે યુએસ પાસેથી 500 બિલિયન ડોલરની લોન સુવિધાની વિનંતી કરી છે. અલગતાવાદી જૂથ દલીલ કરે છે કે તેઓ કેન્દ્ર સરકારની ઊર્જા નીતિઓ અને ભારે કરવેરાથી પરેશાન છે. આવા ખુલાસાથી કેનેડામાં ગુસ્સાનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન માર્ક કાર્નેએ જાહેરમાં અમેરિકાને ચેતવણી આપી છે કે યુએસ વહીવટીતંત્ર કેનેડાના સાર્વભૌમત્વનું સન્માન કરે.

ઇ-પેપરના નવા શુલ્ક