કિંમતી ધાતુઓમાં ઐતિહાસિક કડાકા : બિટકોઇન તૂટી ગયો, સેન્સેક્સ નબળો
રાજકોટ,તા.30:
(ફૂલછાબ ન્યૂઝ) વિશ્વ સ્તરે સોના-ચાંદીના ભાવમાં જબરજસ્ત ઉથલપાથલો પછી તીવ્ર કડાકો
બોલી ગયો છે. ચોવીસ કલાકના સમયગાળામાં સોનામાં 12 ટકા અને ચાંદીમાં 23 ટકાનું ગાબડું
પડી ગયું છે. અમેરિકાની ફેડરલ રિઝર્વના આગામી અધ્યક્ષ માટે કેવિન વોર્શનું નામ બહાર
આવ્યું છે. એમ થવાને લીધે સેન્ટ્રલ બેંકની
સ્વતંત્રતા અંગેની ચિંતાઓ દૂર થશે એમ જણાતા ભારેખમ વેચવાલી ધાતુઓમાં આવી હતી. બીટકોઇનમાં
2 ટકાનું ગાબડું હતુ. વિશ્વ સ્તરે સોનાનો ભાવ ગઇકાલે 5592 ડોલર પ્રતિ ઔંસની સર્વાધિત
ઉંચાઇએ હતો તે શુક્રવારે 4943 ડોલર સુધી ઘટીને
રાત્રે 9.30 વાગ્યે 5040 ડોલર રનીંગ હતો. ચાંદીમાં નુક્સાન વધારે હતુ. ગઇકાલે 122 ડોલર
સુધી પહોંચેલી ચાંદી શુક્રવારે 95 ડોલરનું સ્તર મેળવ્યા પછી 98.65 ડોલર ચાલી રહી હતી.
અણધારી, આક્રમક અને અભૂતપૂર્વ વધઘટે સમગ્ર વિશ્વનું ધ્યાન બન્ને ધાતુઓ તરફ ખેંચ્યું
હતુ.
રાજકોટમાં
સોનાનો ભાવ 24 કેરેટમાં આગલા દિવસથી રૂ. 13 હજાર ઘટીને રૂ. 1,71,000 અને ચાંદીનો ભાવ
રૂ. 55000 તૂટીને રૂ. 3,30,000 હતો. એક દિવસમાં આ કદનો ઘટાડો ઇતિહાસમાં પ્રથમ વખત જોવા
મળ્યો હતો.
વોર્શ 2008ની નાણાકીય કટોકટી દરમિયાન અમેરિકાની સેન્ટ્રલ
બેંકમાં સેવા આપી ચૂક્યાં છે. હવે તે જેરોમ પોવેલના અનુગામી તરીકે નિયુક્ત થયાં છે.
નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર કેવિન હેસેટ છેલ્લા કેટલાક સમયથી પોવેલના સ્થાને
પસંદગીના દાવેદાર હતા. જોકે તેમનું નામ નીકળી જતા ટ્રમ્પના સમર્થક હવે ફેડના ચેરમેન
નહીં રહે તેમ બજારને લાગતા ડોલર ઉંચકાયો હતો.
એવું
માનવામાં આવે છેકે વોર્શ ડોલરને સ્થિર કરવામાં મદદ કરશે અને ડિબેઝમેન્ટ ટ્રેડ્સને પડકારીને
ડોલરની ઊંડાણપૂર્વકની નબળાઈના જોખમને ઘટાડશે.
જો એ દિશામાં પગલાં લેવાશે તો સોના ચાંદી માટે તે નકારાત્મક છે.
વોર્શ
સ્વતંત્ર રૂઢિચુસ્ત સેન્ટ્રલ બેંકરની પરંપરા નિભાવે તેવા સ્વભાવના માનવામાં આવે છે.
અલબત્ત ભૂ-રાજકીય તણાવના સંપૂર્ણ તોફાને એ
આ વર્ષે કિંમતી ધાતુઓને ઉંચા સ્તરે પહોંચવામાં મદદ કરી છે, જે હજુ ચાલુ રહેવાની ધારણા
છે. ટેરિફનો વાર પણ સોના ચાંદીને મદદ કરી શકે છે.
બીટકોઇનમાં
2 ટકાનું ગાબડું પડી જતા 1430 ડોલર તૂટીને 83123 ડોલર હતો. શેરબજારમાં સેન્સેક્સ
296 પોઇન્ટ ઘટેને 82,269 પોઇન્ટ બંધ હતો. જ્યારે ડોલર સામે રૂપિયો 92ની સપાટી વટાવી
ગયો હતો.