સંજૂ સેમસનના ફોર્મ અને અક્ષર પટેલની ફિટનેસ પર નજર
તિરૂવનંથપૂરમ,
તા.30: ખિતાબની પ્રબળ દાવેદાર ટીમ ઇન્ડિયા ટી-20 વિશ્વ કપ અગાઉના શનિવારે અહીં રમાનાર
અંતિમ મુકાબલામાં ન્યુઝીલેન્ડ સામે વધુ એક વિજય સાથે શ્રેણીનો અંત કરવા માંગશે. ભારતીય
ટીમને આશા રહેશે કે સંજૂ સેમસન ઘરેલુ દર્શકો સમક્ષ ફોર્મમાં વાપસી કરશે અને અક્ષર પટેલ
ફિટનેસ હાંસલ કરવામાં સફળ રહેશે. વિશાખાપટ્ટનમમાં ચોથા ટી-20 મેચમાં કોચ ગૌતમ ગંભીર
અને કપ્તાન સૂર્યકુમાર યાદવે પ્રયોગ કરીને પાંચ મુખ્ય બોલર પાસે જ બોલિંગ કરાવી હતી
અને ઓલરાઉન્ડર્સ હાર્દિક-શિવમ પાસે બોલિંગ કરાવી ન હતી. આ ઉપરાંત પ્લેઇંગ ઈલેવનમાં
એક બેટરની બાદબાકી કરી હતી. આ મેચ ભારત હારી ગયું હતું. જો કે એથી શ્રેણીના પરિણામ
પર કોઇ અસર પડી નથી. ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણી પોતાના ગજવે કરી ચૂકી છે.
અંતિમ
મેચમાં ભારતીય ઇલેવનમાં ફરી ફેરબદલ જોવા મળી શકે છે. પાછલા બે મેચમાં વરુણ ચક્રવર્તીને
વિશ્રામ અપાયો હતો. તેને મોકો મળશે. અક્ષર પટેલ ફિટ હશે તો તેની પણ વાપસી થઇ શકે છે.
બોલિંગમાં આ સિવાય ફેરફાર સંભવ જણાતા નથી. ઇશાન કિશન ફિટ હશે તો તેના સમાવેશ પર મનોમંથન
થઇ શકે છે કારણ કે ટીમ મેનેજમેન્ટ સેમસનને હોમ ગ્રાઉન્ડ પર ફોર્મ વાપસીનો મોકો આપવાના
પક્ષમાં છે. તેની ટેકનીકમાં ખામી જોવા મળી રહી છે અને આત્મવિશ્વાસ પણ ડગી ગયો છે.
7 ફેબ્રુઆરીથી વિશ્વ કપ શરૂ થશે. સંજૂ સેમસન પાસે ઘરેલુ દર્શકો સમક્ષ જૂના આક્રમક અંદાજમાં
બેટિંગની આખરી
તક
છે.
ટી-20
વિશ્વ કપ અગાઉ ભારતનું લક્ષ્ય ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 4-1થી શ્રેણી વિજયનું છે. જેથી ટીમના
મનોબળમાં વધારો થશે. ટીમને તેના બે મુખ્ય બેટર અભિષેક શર્મા અને કપ્તાન સૂર્યકુમાર
પાસેથી આતશી ઇનિંગની આશા રહેશે. જે બન્ને પાછલા મેચમાં નિષ્ફળ રહ્યા હતા. શિવમે 1પ
દડામાં અર્ધસદી ફટકારીને તેની ક્ષમતાનો પરિચય આપી
દીધો
છે.
બીજી
તરફ ન્યુઝીલેન્ડ ટીમ ચોથા મેચની જીતથી ઉત્સાહિત છે. વિજયક્રમ જાળવી રાખીને વિશ્વ કપ
અગાઉના અંતિમ મેચમાં બાજી મારવા પર કિવિઝ ટીમની નજર છે. અહીંના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં
ઝડપથી રન બને છે. ભારતીય ટીમે અહીં ચારમાંથી ત્રણ મેચ જીત્યા છે. જેમાં 2017નો ન્યુઝીલેન્ડ
સામેનો એક મેચ પણ સામેલ છે. ટીમનો મુખ્ય બોલર લોકી ફરગ્યૂસન જો ફિટ હશે તો ઇલેવનમાં
સામેલ થશે. મેચ શનિવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.