• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

કષ્ટભંજન દેવને 1008 કિલો પુષ્પોનો અભિષેક

સાળંગપુરધામમાં કૃતજ્ઞતા મહા મહોત્સવનો પ્રારંભ : શ્રી કષ્ટભંજન દેવનું રાજોપચાર પૂજન, ભવ્ય આતીશબાજી કરાઇ, દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

આજે 1,00,000 ફુગ્ગાઓનો વરસાદ અને 151 કિલોની કેક તથા ડી.જે.ના તાલે હનુમાન જન્મોત્સવ ઉજવાશે

બોટાદ તા.1: બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજેથી દ્વિદિવસીય કૃતજ્ઞતા મહા મહોત્સવનો શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે પ્રારંભ થયો છે. આજે બુધવારે સવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું ઐતિહાસિક અને દિવ્ય ’રાજોપચાર પૂજન’ કરવામાં આવ્યું હતું.. વિદ્વાન બ્રાહ્મણોના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે દાદાનું શાહી પૂજન સંપન્ન થયું હતું. આ પ્રસંગે દાદાને ઓર્કિડ, ગુલાબ અને સેવંતીના પુષ્પોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આકર્ષણનું મુખ્ય કેન્દ્ર 1008 કિલો પુષ્પો દ્વારા કરવામાં આવેલા દિવ્ય અભિષેક અને પુષ્પવર્ષા હતી. આ મનોરમ્ય દ્રશ્ય જોઈને હજારો ભક્તો ભાવવિભોર થયા હતા.

મહોત્સવના પ્રથમ દિવસે વહેલી સવારથી દાદાના દરબારમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય રાજોપચાર પૂજન યોજાયું. સાંજના સમયે કિંગ ઓફ સાળંગપુર સમૂહ આરતીમાં વિશાળ સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ભક્તિનો અદ્ભુત માહોલ સર્જ્યો હતો. રાત્રે રંગબેરંગી આતશબાજી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની, જ્યારે લોકડાયરા કાર્યક્રમમાં નામાંકિત કલાકારોએ ભક્તિરસની રમઝટ બોલાવી હતી. આ સમગ્ર મહોત્સવ હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ના માર્ગદર્શન હેઠળ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે.

આવતીકાલે 2 એપ્રિલે ઉજવાનારા હનુમાન જયંતી નિમિત્તે સમગ્ર  મંદિરને ફૂલોથી સુંદર રીતે શોભિત કરવામાં આવ્યું છે. મહામહોત્સવ અંતર્ગત વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો માટે આધ્યાત્મિક આનંદનો અનોખો અવસર ઉભો થયો છે. સાળંગપુર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં એસપી ડીવાયએસપી પીઆઇ અને 220થી વધુ પોલીસ જવાનો ખડા પગે રહી લોખંડી સુરક્ષા આપશે.

આજે હનુમાન જયંતીએ ભવ્ય ઉત્સવ

            સવારે 05:00 વાગ્યે મંગળા આરતી (આતશબાજી સાથે દાદાનું સ્વાગત)

            7:00 વાગ્યે શણગાર આરતી (દાદા સુવર્ણ વાઘા-સોનાના વસ્ત્રો ધારણ કરશે)

            7:00 વાગ્યે વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ (1000થી વધુ ભક્તો સામૂહિક વૈદિક યજ્ઞમાં ભાગ લેશે)

            7:30 વાગ્યે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ (1,00,000 ફુગ્ગાઓનો વરસાદ, 151 કિલોની કેક અને ડી.જે.ના તાલે ભક્તિ ઉત્સવ)

            10:00 વાગ્યે અન્નક્ષેત્ર (તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા)

11:00 વાગ્યેઅન્નકૂટ (વિવિધ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવશે)

            સાંજે 07:00 વાગ્યે મહા સંધ્યા આરતી (નાસિક ઢોલ-તાસા ગ્રુપ, ભવ્ય આતરાબાજી અને હજારો દીવડાઓ સાથે સામૂહિક આરતી) 

ઇ-પેપરના નવા શુલ્ક