• બુધવાર, 01 એપ્રિલ, 2026

સિરામિક ઉદ્યોગોને મળતા ગેસનો ભાવ આજથી બમણો

            ઉદ્યોગ માટે મરણતોલ ફટકો સાબિત થશે : પડતર એટલી ઊંચી થઈ જશે કે નિકાસ અશક્ય થઈ જશે!

સુરેશ ગોસ્વામી

મોરબી, તા.31: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં એપ્રિલ મહિનાથી બમણો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. તોતીંગ ભાવવધારાની ગંભીર અસર ઉદ્યોગ પર પડવાની છે. અસહ્ય ભાવ વધારાને પગલે મોરબીના સિરામિક ઉદ્યોગકારો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે અને ઉદ્યોગના ભવિષ્ય પર મોટું સંકટ ઊભું થયું છે.

યુદ્ધની સ્થિતિના કારણે ગેસની અછત સર્જાતા મોટાભાગના સિરામિક એકમોમાં શટ ડાઉન છે. 70 જેટલા સિરામિક યુનિટોમાં ગુજરાત ગેસની સપ્લાય ચાલુ છે. ગુજરાત ગેસના માર્ચ મહિનાના ભાવ માળખા મુજબ જો ઉદ્યોગો 50% સુધીનો વપરાશ કરે તો તેમને 41 રૂપિયા પ્લસ ટેક્સના ભાવે ગેસ પૂરો પાડવામાં આવતો હતો. જ્યારે છેલ્લા 6 મહિનાના કન્ઝપ્શન પ્રમાણે 50થી 80% વચ્ચેના વપરાશ પર 63 રૂપિયાનો ભાવ લેવામાં આવ્યો હતો. જોકે હવે એપ્રિલ મહિનાથી ગેસના ભાવ બમણાં કરી દેવામાં આવ્યા છે અને  નવો ઈન્ડિકેટિવ ભાવ રૂ. 85 પ્લસ ટેક્સ આપવામાં આવ્યો છે. આ નવો ભાવ હવેથી કુલ વપરાશ પર લાગુ પડશે. સિરામિક ઉદ્યોગકારો જણાવી રહ્યા છે કે, ગેસના આ નવા અને ડબલ ભાવથી ઉદ્યોગને ઈન્ટરનેશનલ માર્કેટમાં નિકાસ કરવી લગભગ અશક્ય બની જશે.

વૈશ્વિક બજારમાં મોરબીના સિરામિક ઉદ્યોગની સીધી હરીફાઈ ચીન સાથે છે. જો ગેસના ભાવ ઊંચા રહેશે તો પ્રોડક્શન કોસ્ટ એટલી વધી જશે કે ચીન સામેની હરીફાઈમાં ટાઇલ્સના ભાવ વધારા સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ટકી રહેવું અત્યંત મુશ્કેલ બની જશે. ટાઇલ્સના ભાવમાં અંદાજિત 80 સેન્ટ (67 રૂપિયા) પ્રતિ સ્કવેર મીટર જેટલો જંગી વધારો લાવવો પડશે.

વેપારીઓ તરફથી કન્ફર્મ ઓર્ડર મળે તેના ઉપર જ ફેક્ટરીઓ ચાલુ કરીને ઉત્પાદન કરવું પડશે. આમ, ગેસનો આ ભાવવધારો મોરબીના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન સિરામિક ઉદ્યોગ માટે મરણતોલ સાબિત થશે તેવી ઉદ્યોગકારો ભીતિ સેવી રહ્યા છે.

કેપેક્સિલના સિરામિક પેનલના ચેરમેન નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, ગેસના આ નવા ભાવથી ટાઈલ્સમાં પ્રતિ સ્ક્વેર મીટર 80 સેન્ટનો વધારો લાવવો પડે તેવો અંદાજ છે. બીજી તરફ, જો શાપિંગ ભાડા પણ વધેલા રહેશે તો એક્સપોર્ટનું માર્કેટ અશક્ય બની જશે. આ સંજોગોમાં હવે સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવા માટે સરકાર દ્વારા ગેસ સસ્તો કરી આપવો પડશે.

સિરામિક એસોસિયેશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું કે ગેસના નવા ભાવમાં એકમ ચલાવવું અશક્ય જેવું છે. જો ગેસના આ ભાવ રહે તો ટાઈલ્સના ભાવમાં મોટો વધારો કરવો પડશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ વધેલા ભાવ લઈને ચાઈના સામે ઈન્ટરનેશનલ માર્કેટમાં ઊભા પણ રહી શકાય તેમ નથી.

સિરામિક એસોસિએશનના વોલ ટાઈલ્સ ડિવિઝનના પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતે જણાવ્યું હતું કે, ગેસના આ ઊંચા ભાવની સ્થિતિ દરમિયાન માત્ર ઈમરજન્સી ઓર્ડર ઉપર જ ઉત્પાદન કરી શકાય તેમ છે. આ ભાવ ઉપર લાંબા સમય માટે સપ્લાય કરી શકાય તેમ નથી અને ઈન્ટરનેશનલ માર્કેટમાં ગ્રાહકો ચાઇના તરફ ડાયવર્ટ થઈ શકે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગલ્ફ દેશોમાં 25% જેટલું એક્સપોર્ટ છે જે યુદ્ધના કારણે હાલ બંધ હાલતમાં છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક