• બુધવાર, 01 એપ્રિલ, 2026

જનગણના : સંખ્યાનો સરવાળો નહીં, એક પ્રકારે રાષ્ટ્રીય પર્વ

2026ની વસતી ગણતરી અનેક રીતે અગત્યની છે,

            એક તો તે 15 વર્ષે થઈ રહી છે. દેશમાં તે દરમિયાન અનેક પરિવર્તન થયાં છે, સૌથી અગત્યનું છે ટેક્નિકલ પાસું

            ટેક્નોલોજી જેટલી ઉપયોગી છે તેટલો જ તેનો પડકાર પણ છે

અનેક અવરોધ, વિરોધ અને  વિલંબ પછી આખરે દેશની જનગણના- વસતી ગણતરીનો આરંભ થઈ રહ્યો છે. 1 એપ્રિલ 2026 એ દૃષ્ટિએ ભારત માટે અગત્યનો દિવસ છે. ‘140 કરોડની વસતી ધરાવતો દેશ...’ એવું આપણે કહીએ છીએ. આ સંખ્યા થોડી આમ, થોડી તેમ હોઈ શકે.  આમ

તો કોઈ પણ પ્રકારની ગણતરી એટલે જ સંખ્યા, આંકડા. એટલે અહીં કેટલા લોકો આ વિરાટ કાર્યમાં જોડાશે? કેટલા કર્મચારી? તેમાં કેટલા પુરુષ-મહિલા? કેટલા દિવસો? કેટલી સ્ટેશનરી વગેરે આંકડાની ગણતરી થાય અને છેલ્લે જે

પરિણામ આવે તે પણ એક વિરાટ આંકડો.  ભારત કે કોઈ પણ દેશ માત્ર કોઈ ભૂખંડ નથી. એક નાનું ગામ પણ પોતાની રીતે એક અલાયદી સંસ્કૃતિ છે. ભારત તો પરંપરા, સંસ્કૃતિની વિવિધતાનો દેશ છે. વિશ્વનું સૌથી મોટું ગણતંત્ર એવો આપણો દેશ ફક્ત માણસોનો સમૂહ નથી. અનેક ધર્મ, સમાજ, જ્ઞાતિ, જાતિનો આ ચીરકાલીન સંગમ છે. વસતી ગણતરી ફક્ત સરકારી આયામ નથી. અહીં ગણતરીની સાથે આકલન થશે. આપણે કેટલાં છીએ તે ખબર પડશે, આપણે કોણ છીએ તે પણ જાણવાનો આ સમય છે. આપણા જીવનધોરણ શું છે? જીવનશૈલી શું છે? અને જીવનની ગતિ-પ્રગતિ શું છે? તે આ વસતી ગણતરીથી જાણી શકાશે. કન્યાકુમારીથી કાશ્મિર સુધી જે છે તે ભૌગોલિક ભારત છે, તેની અંદર બીજાં અનેક વિશ્વ વસે છે.

1872 એ વર્ષ હતું જ્યારે દેશમાં વસતી ગણતરીનો આરંભ થયો અને 1881થી દાયરાવાર જનગણના શરૂ થઈ. સ્વતંત્રતા પછી પણ દેશની સરકારોએ આ પરંપરા જાળવી અને નીતિનિર્માણના કેન્દ્રમાં તેને રાખીને તેના આધારે વિકાસની દિશા નક્કી કરી છે. છેલ્લે સત્તાવાર વસતી ગણતરી થઈ 2011માં અને ત્યારે આપણે સંખ્યામાં 121 કરોડ હતા. તે પછી 2021માં જ્યારે ટાણું આવ્યું ત્યારે કુદરત કોવિડના માધ્યમથી વિશ્વની વસતી ઘટાડી રહી હતી એટલે વસતી માણસોની ગણતરી કરતાં માણસોને બતાવવાની સરકારની અગ્રતા હતી. ગણતરી તો થતી હતી મૃત્યુ પામનારાઓની, બીમારોની.  ત્યારે શરૂ ન થયેલું કાર્ય હવે થઈ રહ્યું છે.

1 એપ્રિલથી શરૂ થશે તે વસતી ગણતરીનો આરંભ થશે હાઉસ લિસ્ટીંગથી. મકાન કાચું કે પાકું? પાણી, શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા છે કે નહીં? ઈન્ટરનેટ અને ડિજિટલ સેવા જેવી આધુનિક બાબતો તે ઘરના દ્વારે પહોંચી છે કે નહીં? કુટુંબના વડા ત્રી કેપુરુષ? એવા 33 મુદ્દાની નોંધ થશે. 45 દિવસની પ્રથમ પ્રક્રિયામાં નાગરિકો પોતે જ ઓનલાઈન પોતાની વિગતો આપી શકશે. આ એક ક્રાંતિ છે, પહેલી જ વાર એવું બનશે કે વસતી ગણતરીમાં નાગરિકો વિશે નહીં પરંતુ નાગરિકો પોતે જ પોતાના દ્વારા માહિતી ઓનલાઈન દાખલ કરશે. આ વખતની વસતી ગણતરી ડિજિટલ ઈન્ડિયાનું પ્રતીક બની રહેશે તે પણ મહત્વની વાત છે.

ગુજરાતી સહિત તેમાં 16 ભાષામાં પોર્ટલ પ્રાપ્ય થશે 33 પ્રશ્નના જવાબ આપ્યા પછી 16 અંકનું યુનિક આઈડી બનશે અને પછીના 30 દિવસમાં ગણતરીના કર્મચારી દ્વારા ચકાસણી થશે. ઘરોનું નકશાંકન ઉપગ્રહ આધારિત થશે. ફિલ્ડ ડેટા સંગ્રહ માટે એચએલઓ મોબાઈલ એપ બની છે. 2027ના ફેબ્રુઆરી માસમાં બીજો તબક્કો શરૂ થશે જેમાં વ્યક્તિ-નાગરિકનો ધર્મ, શિક્ષણ અને રોજગાર, આર્થિક સ્થિતિ, સ્થળાંતર વગેરે વિગતો લેશે. 1931 પછી પહેલીવાર જાતિ આધારિત વસતી ગણતરી હાથ ધરાશે. રાજકીય અને સામાજિક રીતે આ અગત્યનું રહેશે. જાતિગત આંકડા નીતિનિર્માણમાં સહાયક નિવડશે. જ્યારથી આ નિર્ણય લેવાયો છે ત્યારથી એવી પણ ચર્ચા છે કે રાજકીય ધ્રુવીકરણ થશે, પક્ષોને આનો લાભ મળશે- લોકશાહીને ગેરલાભ થશે પરંતુ ધ્રુવીકરણ તો જાતિગત વસતી ગણતરી વગર પણ ક્યાં નથી થતું?

આખા દેશમાં પ્રક્રિયા તો એકસાથે જ શરૂ થશે પરંતુ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડ સહિતના હિમાલય ક્ષેત્રના પ્રદેશોમાં સપ્ટેમ્બર 2026માં જ આ કાર્ય પૂર્ણ થશે. દેશના વિકાસ માટે, સરકારની અગ્રતા માટે વસતી ગણતરી રોડમેપ છે- માર્ગદર્શક છે. ક્યા વિસ્તારમાં શાળાની જરૂર છે? ક્યાં હોસ્પિટલ ઓછી છે? ક્યા વિસ્તારના ક્યા વર્ગ માટે સહાયની જરૂર છે ?અને ક્યાં ગરીબી છે? તેનો ખ્યાલ આ સમગ્ર પ્રક્રિયામાંથી આવશે. આંકડા ખોટા હોય તો વિકાસની દિશા પણ ખોટી પકડાય. 2026ની વસતી ગણતરી અનેક રીતે અગત્યની છે. એક તો તે 15 વર્ષે થઈ રહી છે. દેશમાં તે દરમિયાન અનેક પરિવર્તન થયાં છે.

સૌથી અગત્યનું છે ટેક્નિકલ પાસું. ટેક્નોલોજી જેટલી ઉપયોગી છે તેટલો જ તેનો પડકાર પણ છે. ડિજિટલ ગણતરી જે લોકોએ પોતે કરવાની છે તેમાં ગ્રામ્ય વિસ્તારના કે જે લોકો આ પદ્ધતિથી અવગત નથી તેઓ શું કરશે, લોકોને આજે ડેટા ચોરાઈ જવાનો ડર સતત હોય છે આને લીધે તેઓ પોતાની વિગતો કોઈ પ્લેટફોર્મ ઉપર મૂકતાં અચકાતા હોય છે. જાતિ આધારિત ગણતરીનો રાજકીય દૃષ્ટિકોણથી ઉપયોગ થવાની સંભાવના જો કોઈ જોતું હોય તો તે પણ ખોટું તો નથી. વસતી ગણતરી એ ફક્ત ડેટા કલેક્શન નથી. 2026-27ની વસતી ગણતરી નક્કી કરશે કે ભારત પોતાને કેટલી સ્પષ્ટતાથી જાણે છે, ઓળખી શક્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક