• બુધવાર, 01 એપ્રિલ, 2026

કાજાવદર પાસે ડમ્પરે બાઈકને ટક્કર મારી, પિતા-પુત્રીના મૃત્યુ

            પિતા તેની દીકરીને દવાખાનેથી પરત લાવતા’તા ત્યારે અકસ્માત સર્જાયો : ડમ્પરચાલક વાહન મૂકી ફરાર

ભાવનગર, તા.31 : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર પાસે પિતા તેની દીકરીને દવાખાનેથી પરત લાવતા હતા, તે દરમિયાન બેફામ ડમ્પરે તેમની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પિતા-પુત્રીના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતા. 

બનાવની વિગતો મુજબ, સિહોર તાલુકાના કાજાવદર ગામે રહેતા સંજયભાઈ બોઘાભાઈ પરમાર (ઉં.વ. 32) અને તેમની 9 વર્ષની દીકરી રશીતા સંજયભાઈ પરમાર બાઈક નંબર જીજે04ડીએફ 761 પર સવાર થઈને જાંબાળા ગામથી કાજાવદર તરફ આવી રહ્યા હતા. દરમિયાન સામેથી આવી રહેલા ડમ્પર નંબર જીજે04એએફ9511ના બાઈકનો અકસ્માત સર્જાયો હતો. આ જોરદાર ટક્કરમાં 9 વર્ષીય રશીતાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પિતા સંજયભાઈને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતની જાણ થતા જ સ્થાનિકોના ટોળા ઉમટી પડયા હતા. સમગ્ર બનાવ અંગે સિહોર પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એક જ પરિવારના બે સભ્યોના મૃત્યુથી કાજાવદર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક