પતિનું નામ ભાજપ અને આમ આદમી પાર્ટીની ઉમેદવારની યાદીમાં, પત્નીએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું
સાવરકુંડલા તા.12: અમરેલી જિલ્લાની
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણીમાં એક અનોખી રાજકીય ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 6માં
એક જ પરિવારના સભ્યોના નામ ત્રણ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની
યાદીમાં જોવા મળતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
નેસડી રોડ પર રહેતા પોપટભાઈ જમોડ
જેઓ ભાજપના સક્રિય કાર્યકર તરીકે ઓળખાય છે, તેમને ભાજપ દ્વારા સત્તાવાર રીતે ટિકિટ
આપવામાં આવી હતી અને તેમનું નામ પાર્ટીની યાદીમાં જાહેર કરાયું હતું. આ ઉપરાંત, આમ
આદમી પાર્ટી દ્વારા પણ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, રાજકીય
વળાંક ત્યારે આવ્યો જ્યારે પોપટભાઈના એક નજીકના સાથીદારને ભાજપ તરફથી ટિકિટ ન મળી.
આ નારાજગીના પગલે, પોપટભાઈ જમોડે પોતાની પત્ની હંસાબેન જમોડના નામે કોંગ્રેસમાંથી ઉમેદવારી
ફોર્મ ભરાવ્યું. આમ, એક જ પરિવારને એક કરતા વધુ રાજકીય પક્ષોએ ચૂંટણીની ટિકિટ આપી છે.
એક તરફ કાર્યકર્તાઓ ચૂંટણી ટિકિટ મેળવવા એડીચોટીનું બળ લગાવતા હતા, બીજી તરફ આ પરિવાર
પર બધા રાજકીય પક્ષો વરસી પડયા હતા.