• મંગળવાર, 26 મે, 2026

29મીથી વાતાવરણમાં આવશે પલટો, આગામી 4 દિવસ બાદ તાપમાન ઘટશે

8થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની સંભાવના; કેરળમાં 48 કલાકમાં ચોમાસું બેસવાના એંધાણ

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા. 25: રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જોકે, આ આકરી ગરમી વચ્ચે હવે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો તરફથી રાહતના સમાચાર આવ્યા છે. આગામી 29 અને 30 મેથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસના જારી કરેલા પૂર્વાનુમાન અનસાર આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં, જોકે તાર દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આગામી સાત દિવસોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા સેવાય છે. તેની સાથે આગામી ચાર દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છન દરિયાકિનારાના પ્રદેશોમાં ગરમ અને ભેજવાળા પવનો રહેશે.  દરમિયાનમાં હવામાન નિષ્ણાતે રાહતના સમાચાર આપ્યા છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં કેરળ કાંઠે ચોમાસાના આગમનના એંધાણ દેખાઈ રહ્યા છે. જો પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો દક્ષિણ ભારતમાં ચોમાસું સત્તાવાર રીતે પ્રવેશ કરી શકે છે, જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસાની ગતિ તેજ બનવાની શક્યતા છે. 29 અને 30 મેથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે. ખાસ કરીને સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં હળવા વરસાદ અથવા છાંટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂનની શરૂઆતમાં જ તોફાની પવન સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. હવામાનમાં આ ફેરફારને કારણે લોકોને ગરમીમાંથી મોટી રાહત મળવાની આશા છે.

તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં 8થી 15 જૂન વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 1 ઈંચથી વધુ વરસાદ પણ પડી શકે છે. હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે અરબી સમુદ્રમાં 28 મેથી લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ચોમાસાની ગતિ વધુ ઝડપી બની શકે છે અને ગુજરાતમાં વહેલા વરસાદી માહોલનું નિર્માણ થઈ શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક