કાનાલુસમાં વીજ ચોરી અંગેના એક કેસમાં જામનગરની સ્પે. કોર્ટનો દાખલારૂપ ચુકાદો
જામનગર, તા. 24 : જામનગરના કાનાલૂસમાં ઘરમાં પાવર
ચોરી ઝડપાતા અદાલતે ત્રણ ગણો દંડ અને ટીવી, એસી, વાશિંગ મશીન ફ્રીઝ વગેરે ખાલસા કરવા હુકમ કર્યો છે.
ઉપરોકત
કેસની ટુંકમાં હકીકત એવા પ્રકારની છે કે ગત તા. 31/07/2023 ના રોજ ચેકીંગ અધિકારી ડી.
આર. પરમાર અને તેના સ્ટાફ દ્વારા શાપર સબ ડીવીઝન હેઠળ આવતાં કાનાલુસ ગામ વિસ્તારમાં
રહેણાંક મકાનમાં દિલીપસંગ કરણસંગ વાળાની હાજરીમાં વીજકનેકશન ચેક કરતાં તેઓ દ્વારા ડાયરેકટ
પાવરચોરી કરવામાં આવતી હોવાનું જણાયું હતું.
જેથી ચેકીંગ અધિકારી દ્વારા સ્થળ પર ચેકીંગશીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર -
4 તૈયાર કરવામાં આવ્યા પછી ફરીયાદી નાયબ ઈજનેર
રૂષિ દિનેશચંદ્ર પરમારે આરોપી દિલીપસંગ કરણસંગ
વાળા વિરૂધ્ધ જીયુવીએનએલ પો. સ્ટે.માં રૂા. 89,111.90ની વિજચોરી અંગે ફરીયાદ દાખલ કરાવી
હતી .
ત્યાર બાદ સ્પે. કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા સરકાર
દ્વારા કુલ - 6 સાક્ષી અને 19 દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા અને સરકાર તરફે
સરકારી વકીલ રાજેશ કે. વસીયર એ એવી દલીલ કરેલ કે આરોપીની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં
આવેલ છે અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધતા જાય છે જેથી આવા કેસો અટકે માટે આરોપીને
સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ, આ દલીલો ધ્યાને લઈ સ્પે. જજ વી. પી. અગ્રવાલ
દ્વારા આરોપી દિલીપસંગ કરણસંગ વાળા ને રૂા. 2,67,335 એટલે કે પાવરચોરીની રકમ કરતા ત્રણ
ગણો દંડ ફટકાર્યો છે અને પાવરચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ ફીઝ, વોશીંગ મીશન, એ.સી.,
મોટર, ટી.વી., લેમ્પ અને પંખા સરકાર ખાલસા કરવાનો હુકમ કર્યો છે. અને જો આરોપી ધ્વારા
30 દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.