તમામ સરકારી યુનિવર્સિટીઓ, ઉચ્ચ શિક્ષણની કૉલેજો અને વહીવટી કચેરીઓ માટે કડક માર્ગદર્શિકા
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.28
: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા અને સરકારી તિજોરી પર પડતો
ઈંધણ તેમજ અન્ય બિનજરૂરી વહીવટી ખર્ચનો બોજો ઘટાડવા માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં
આવ્યો છે. શિક્ષણ વિભાગે એક સત્તાવાર પરિપત્ર જાહેર કરીને તમામ સરકારી યુનિવર્સિટીઓ,
ઉચ્ચ શિક્ષણની કૉલેજો અને વહીવટી કચેરીઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ આદેશોનો
મુખ્ય ઉદ્દેશ્ય ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાનો અને સરકારી સંસાધનોનો બગાડ અટકાવવાનો
છે.
પરિપત્ર
મુજબ, તમામ યુનિવર્સિટીઓ, કૉલેજો અને શૈક્ષણિક કચેરીઓએ હવેથી મોટાભાગની બેઠકો ઓનલાઈન
માધ્યમથી જ યોજવાની રહેશે. જેથી અધિકારીઓ અને કર્મચારીઓના પ્રવાસ પાછળ થતો ઈંધણનો મોટો
બગાડ અટકાવી શકાય. અનિવાર્ય સંજોગો અથવા ખાસ મંજૂરી સિવાય શૈક્ષણિક કે વહીવટી કામકાજ
માટેના વિદેશ પ્રવાસ પર સંપૂર્ણ નિયંત્રણ લાદવામાં આવ્યું છે.
શૈક્ષણિક
સંસ્થાઓ દ્વારા યોજાતા વાર્ષિક ઉત્સવો, સેમિનાર કે અન્ય કાર્યક્રમો ભવ્યતાને બદલે એકદમ
સાદાઈથી યોજવાના રહેશે, જેથી બિનજરૂરી નાણાકીય ખર્ચ ટાળી શકાય. ઉચ્ચ વહીવટી અધિકારીઓ
પાસે રહેલા નિયમ કરતા વધારાના સરકારી વાહનો તાત્કાલિક ધોરણે જમા કરાવી દેવા માટે સ્પષ્ટ
સૂચના આપવામાં આવી છે. અધિકારીઓને વ્યક્તિગત સરકારી વાહનોનો ઉપયોગ ઘટાડીને ’કાર પાલિંગ’
(એક જ વાહનમાં સાથે મુસાફરી કરવી) અથવા જાહેર
પરિવહન
(એસ.ટી. બસ કે મેટ્રો)નો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.