• શુક્રવાર, 29 મે, 2026

કૉંગોથી આવેલા ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ તંત્ર સહિત ક્વોરન્ટાઈન થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો

 (અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 28: કૉંગોથી વડોદરા આવેલા શંકાસ્પદ દર્દીનો ઈબોલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે કે નાગરિકોએ ડરવાની જરૂર નથી, કૉંગોથી આવેલા ચેપજન્ય રોગ ઈબોલા વાઈરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાથે જ તેમને અફવાથી દૂર રહેવા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર ભરોસો કરવાની અપીલ કરી છે.

 મહત્વનું છે કે ગઈકાલે બુધવારના રોજ ભારત પ્રવાસે આવેલા મૂળ આફ્રિકન દેશના આ યુવકને વડોદરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જે બાદ તેના  સંપર્કમાં આવેલા એક ડોક્ટર અને યુવકના બે મિત્રો સહિત કુલ 3 વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા પણ રિપોર્ટ નેગેટિવ આવતા ત તંત્ર સહિત ક્વોરન્ટાઇન થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

  આફ્રિકાના કોંગોમાં રહેતો 37 વર્ષનો યુવક બિઝનેસ ટૂર પર ભારતમાં આવ્યો હતો. મુંબઇમાં રોકાયા પછી સેલવાસ અને દમણ ગયા પછી તે ગઇકાલે વડોદરાની એક કંપનીમાં વિઝિટ માટે આવ્યો હતો. રાત્રે તેને તાવ આવતાકંપનીનો સ્ટાફ તેઓઁને સારવાર માટે વારસિયા રિંગરોડની હોસ્પિટલમાં લઇ ગયો હતો. ટ્રાવાલિંગ હિસ્ટ્રી જાણ્યા પછી  દર્દીને ક્વોરન્ટાઇન કરાયો હતો. હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, અમારી પાસે ઇબોલાની સારવાર માટેની માન્યતા નથી. જેથી, કોર્પોરેશનને જાણ કરવામાં આવતા દર્દીને વધુ સારવાર માટે અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યો હતો.

આફ્રિકન દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાઇરસનો પ્રકોપ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું  આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા અમદાવાદમાં તમામ જરૂરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા મુસાફરોને હાલ તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક