પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી : કોંગ્રેસના તમામ સભ્યો અકબંધ રહેતા પાર્ટીને બહુમતી મળી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા.30 : બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ
રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. બે વખત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી રદ થયા બાદ આજે ત્રીજી
વખત યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી છે. સ્થાનિક કોંગ્રેસ નેતાઓની જહેમત અને
સંગઠનની એકતાનાં કારણે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બોડી રચાઈ છે. દિયોદર તાલુકા પંચાયતના
પ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રભાતબા વાઘેલાની વરણી કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ પદે
પાનાબેન ચાવડાની પસંદગી થઈ છે. ચૂંટણી બાદ કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓમાં ખુશીનો માહોલ
જોવા મળ્યો હતો.
કોંગ્રેસના
તમામ સભ્યો અકબંધ રહેતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી. વાવ-થરાદ કોંગ્રેસના નેતાઓએ
પણ આ જીત પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાઈ રહ્યું છે. સ્થાનિક સ્તરે સતત
સંકલન અને વ્યૂહરચનાના કારણે આખરે કોંગ્રેસને સફળતા મળી છે. ચૂંટણી બાદ કોંગ્રેસના
નેતા ગુલાબાસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “આ સત્યની જીત છે. જનતાના વિશ્વાસ અને કોંગ્રેસના
કાર્યકરોની મહેનત આજે રંગ લાવી છે.’’ દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખની ચૂંટણીને લઈને
છેલ્લા કેટલાક સમયથી ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો, પરંતુ અંતે કોંગ્રેસે
પોતાનું પ્રભુત્વ સાબિત કરતા પ્રમુખ અને ઉપપ્રમુખ બન્ને પદો કબજે કર્યા છે.
નોંધનીય
છે કે, દિયોદર તાલુકા પંચાયતની આ ચૂંટણી અગાઉ ભારે રાજકીય વિવાદો, હોર્સ ટ્રાડિંગની
આશંકાઓ અને આક્ષેપબાજીના કારણે બે વખત મુલતવી રાખવી પડી હતી. ભાજપ અને કોંગ્રેસ બન્ને
પક્ષો માટે આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હતી. આ બધા જ વિઘ્નો બાદ પણ કોંગ્રેસ મક્કમ રહી અને કોંગ્રેસે પોતાના સભ્યો
તૂટવા દીધા નહીં. આજે સવારે તમામ સભ્યો પંચાયત હોલમાં પહોંચ્યા ત્યારે જ કોંગ્રેસની
જીત નિશ્ચિત થઈ ગઈ હતી. આ જીત સાથે જ વાવ-થરાદ પંથકમાં કોંગ્રેસનું શક્તિપ્રદર્શન ફરી
એકવાર મજબૂત સાબિત થયું છે.