અરવલ્લી-મહીસાગરમાં ધોધમાર વરસાદ, આગામી 5 દિવસ તોફાની પવન અને ગાજવીજની આગાહી
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.30: સમગ્ર ગુજરાતમાં
છેલ્લા કેટલાક સમયથી વ્યાપેલી અસહ્ય ગરમી અને અકળાવનારા ઉકળાટ વચ્ચે હવામાનમાં અચાનક
જ મોટો પલટો આવ્યો છે. કાળઝાળ ગરમીથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે રાહતના સમાચાર
આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અગાઉની આગાહીને પગલે આજે, 30 મેની વહેલી
સવારથી જ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ખાસ કરીને અરવલ્લી
અને મહીસાગર જિલ્લામાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વિજળીના કડાકા-ભડાકા
સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
મેઘરાજાના આ ધમાકેદાર અને અણધાર્યા આગમનની સાથે જ
સમગ્ર પંથકમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. આ
કમોસમી વરસાદને કારણે લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ જગતના તાત
માટે ચિંતાના વાદળો પણ ઘેરાયા છે.
જો
કે, 43.1 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ શનિવારે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
સમગ્ર રાજ્યમાં માત્ર દમણ અને પોરબંદર જ એવા દરિયાકાંઠાના બે વિસ્તારો રહ્યા છે જ્યાં
તાપમાન ઘટવાને બદલે સહેજ વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન
સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનમાં હજુ પણ 3 થી પ ડિગ્રી નો ક્રમિક ઘટાડો થવાની પ્રબળ
શક્યતા છે.
ધ્રાંગધ્રા
શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી આસપાસ નોંધાયો હતો.
હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં
ભારે પવન, વીજળીના કડાકા અને ગાજવીજ સાથે તોફાની વાતાવરણ રહેવાની ગંભીર ચેતવણી (એલર્ટ)
જાહેર કરી છા 1 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના
તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ
અને કચ્છમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવો વરસાદ પડી શકે છે.
રાજકોટમાં
તાપમાન 43.6 ડિગ્રીથી સડસડાટ ઘટીને 39.9 ડિગ્રી નોંધાયું
વરસાદી
માહોલ અને ઠંડા પવનો ફૂંકાવાને કારણે રાજ્યભરના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો
છે. છેલ્લા 24 કલાકના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, મોટાભાગના શહેરોમાં પારો 1 થી
4 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો છે. આ વૈશ્વિક પલટામાં સૌથી વધુ ઘટાડો સૌરાષ્ટ્રના હબ
ગણાતા રાજકોટ શહેરમાં જોવા મળ્યો છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 43.6 સેલ્સિયસથી એકઝાટકે
3.7 ડિગ્રી ઘટીને 39.9 ડિગ્રી પર પહોંચી ગયું છે, જે લાંબા સમય પછી 40 ડિગ્રીની નીચે
નોંધાયું છે. આ ઉપરાંત અન્ય આંતરિક વિસ્તારોમાં પણ ગરમીનું જોર ઘટ્યું છે. સુરેન્દ્રનગરમાં
તાપમાન 44.7 ડિગ્રીથી 3.2 ડિગ્રી ના ઘટાડા સાથે 41.5 ડિગ્રી નોંધાયું છે.