(અમારા પ્રતિનિધિ તરફથી )
અમદાવાદ,
તા. 9: રાજ્યમાં ભીષણ ગરમીની સિઝન વચ્ચે જ હવે ચોમાસું આગળ વધવા માટે એકદમ અનુકૂળ અને
મજબૂત સ્થિતિ સર્જાઈ ગઈ છે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, આગામી બે દિવસ દરમિયાન
દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે પ્રી-મોન્સૂન વરસાદ ખાબકવાની પૂરેપૂરી
શક્યતા છે, જેને પગલે વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવાયું છે. આજે દિવસ દરમિયાન રાજ્યના
મોટા ભાગના શહેરોમાં વાદળછાયુ વાતાવરણ રહેતા લોકને ભીષણ ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.
હવામાન
વિભાગે જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં ખાસ કરીને તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લા
ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં
પડી શકે છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે
પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આ સાથે જ, આગામી 11 જૂનથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું
શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (હવાનું દબાણ) સક્રિય થવા જઈ રહ્યું છે. આ સિસ્ટમ સક્રિય
થવાના કારણે આગામી 13 જૂનથી સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ
વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ જશે.
બીજી
તરફ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ મોટો પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ
અને પાટનગર ગાંધીનગર સહિતના આસપાસના વિસ્તારોમાં સવારથી જ આકાશ વાદળછાયું બન્યું છે,
જેના કારણે સૂર્યનારાયણનો પ્રકોપ થોડો ઓછો થયો છે પરંતુ ભેજનું પ્રમાણ વધતાં બફારો
યથાવત છે. હવામાન વિભાગના મતે વાદળછાયા વાતાવરણ અને પવનના કારણે આગામી 24 કલાકમાં તાપમાનનો
પારો 2 થી 3 ડિગ્રી જેટલો નીચે ગગડી શકે છે, જેથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત
મળશે અને વિધિવત ચોમાસા માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. હવામાન વિભાગના અનુમાન મુજબ
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને આગામી 48 કલાકમાં મુંબઈ સુધી
પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આજે
સાંજે નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા પર નજર નાખતા જણાય છે કે આજે સૌથી વધુ તાપમાન
અમદાવાદમાં 42 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 40.8, ભાવનગરમાં 41.6, બરોડામાં 39.6, ડીસામાં
39.3, કંડલામાં 38.6, સુરેન્દ્રનગરમાં 41.3 તેમજ સુરતમાં 35.5 ડિગ્રી તાપમાન નોંધાયું
હતું.