• બુધવાર, 10 જૂન, 2026

સાવરકુંડલા, ખાંભા વિસ્તારમાં 2.1ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ

(ફૂલછાબ ન્યુઝ)

અમરેલી, તા.9 : અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકની ધરા ફરી એક વખત ધ્રૂજી ઊઠતા ગીરકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આજે મંગળવારે સવારે 11:43 વાગ્યે 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાતા મીતિયાળા સહિતનાં અનેક ગામોમાં આંચકો અનુભવાયો હતો. ધરતીકંપના આંચકાના કારણે સ્થાનિકોમાં થોડા સમય માટે ફફડાટ ફેલાઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગીરકાંઠાના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી છાસવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. આજે આવેલા આ આંચકાની અસર મીતિયાળા, સાકરપરા, ખાંભા, ભાડ, વાંકિયા, ઇંગોરાળા સહિતના ગામોમાં અનુભવાઈ હતી. કેટલાક સ્થળોએ લોકો ઘરો અને દુકાનોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ કે માલમિલકતને નુકસાન થયાના અહેવાલો પ્રાપ્ત થયા નથી. તેમ છતાં વારંવાર અનુભવાતા ભૂકંપના આંચકાઓને કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.

ભૂસ્તરવિદ્ના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ભૂકંપીય દૃષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે, જેના કારણે સમયાંતરે નાના-મોટા આંચકાઓ નોંધાતા રહે છે. જોકે આ પ્રકારના હળવા આંચકાઓ સામાન્ય રીતે કોઈ ગંભીર નુકસાન પહોંચાડતા નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક