• મંગળવાર, 09 જૂન, 2026

દિલ્હી એરપોર્ટે ભારે આંધીથી એર ઇન્ડિયાના ત્રણ વિમાન ક્ષતિગ્રસ્ત

નવી દિલ્હી, તા. 8 દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટે ભારે આંધી અને વરસાદ દરમિયાન મોટી દુર્ઘટના બનતા સહેજમાં રહી હતી. જો કે આંધી વરસાદ દરમિયાન એર ઇન્ડિયાના ત્રણ વિમાન એકસાથે ક્ષતિગ્રસ્ત થયા હતા. ભારે પવન ફૂંકાતા ગ્રાઉન્ડ હેન્ડલિંગ ઉપકરણો અચાનક ખસકી ગયા હતા અને તેનાથી વિમાનોમાં નુકસાન પહોંચ્યું હતું.

એર ઇન્ડિયા એન્જિનિયરિંગ અને ઇન્ડિગોના ગ્રાઉન્ડ ઉપકરણો વરસાદ અને હવાના કારણે પોતાની જગ્યાએથી હટી ગયા હતા અને ટર્મિનલ-2 ઉપર રહેલા એર ઈન્ડિયાના નેરો બોડી વિમાનો સાથે ટકરાયા હતા. બનાવમાં ત્રણેય વિમાનને નુકસાન પહોંચતા તાકીદે સર્વિસની બહાર કરી દેવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓપરેટર તરફથી કહેવામાં આવ્યું હતું કે અચાનક આવેલા હવામાનમાં બદલાવની કોઈ પૂર્વ ચેતવણી મળી નહોતી. બીજી તરફ એર ઇન્ડિયા દ્વારા કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નહોતી. એરલાઇન સંબંધિત એક સૂત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ખરાબ હવામાનની અસર માત્ર એર ઇન્ડિયાના વિમાનો ઉપર નથી પડી. અન્ય એરલાઇનના અમુક વિમાનો પણ પ્રભાવિત થયા છે. દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા વિમાનોને તાકીદે સમારકામ માટે મોકલી દેવાયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક