• બુધવાર, 17 જૂન, 2026

પહેલીવાર ભારતે તૈનાત રાખ્યા 12 પરમાણુ હથિયાર

ભારતની પરમાણુ નીતિમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન : સિપરીનાં રિપોર્ટમાં પાક.ની વધતી પરમાણુ તૈયારીનો પણ ઉલ્લેખ

નવી દિલ્હી, તા.9: ભારતે પ્રથમ વખત 12 પરમાણુ વોરહેડ(અણુ હથિયાર)ને ઓપરેશનલ-સક્રિય રીતે તૈનાત કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આને ભારતની પરમાણુ નીતિમાં એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન તરીકે જોવામાં આવે છે. અગાઉ ભારત સામાન્ય રીતે યુદ્ધની સ્થિતિમાં જ વોરહેડ અને મિસાઇલોને એકસાથે જોડતું હતું પરંતુ હવે કેટલાક વોરહેડ મિસાઇલ અને પરમાણુ સબમરીન તૈયાર સ્થિતિમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જેનાં હિસાબે ભારતની વ્યૂહાત્મક તૈયારીઓમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે. સિપરીનાં રિપોર્ટ અનુસાર જાન્યુઆરી 2026 સુધીમાં ભારત પાસે અંદાજે 190 પરમાણુ હથિયારો હતા, જે અગાઉના વર્ષની સરખામણીએ થોડા વધુ છે. આ પરિવર્તન ભારતના ન્યૂક્લિયર ટ્રાયડ (હવાઈ, જમીની અને સમુદ્રી પરમાણુ ક્ષમતા)ને વધુ મજબૂત બનાવવાના પ્રયાસનો ભાગ માનવામાં આવે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત હવે મિસાઇલોને કેનિસ્ટરમાં રાખવા અને સમુદ્રમાં ડિટરન્સ પેટ્રાલિંગ જેવા પગલાં લઈ રહ્યું છે. તેના પરિણામે શાંતિકાળ દરમિયાન પણ કેટલાક વોરહેડ લોન્ચર્સ સાથે જોડાયેલા રહી શકે છે. આ પગલું સુરક્ષા સંબંધિત વધતી ચિંતાઓનું પ્રતાબિંબ માનવામાં આવે છે. ભારતનો પરમાણુ કાર્યક્રમ હંમેશા સંરક્ષણલક્ષી રહ્યો છે, હુમલાખોર નહીં.

ભારતની પરમાણુ નીતિ નો ફર્સ્ટ યુઝ એટલે કે પહેલો પ્રયોગ નહીં કરવાનાં સિદ્ધાંત પર આધારિત છે. તેનો અર્થ એ છે કે ભારત ક્યારેય પહેલો પરમાણુ હુમલો નહીં કરે. આ હથિયારોનો ઉપયોગ માત્ર જવાબી કાર્યવાહી માટે જ કરવામાં આવશે. જો કોઈ દેશ ભારત અથવા ભારતીય સશસ્ત્ર દળો પર પરમાણુ હુમલો કરશે, તો જ ભારત તેનો જવાબ આપશે.  ભારત પોતાનાં પરમાણુ શસ્ત્રાગાર મર્યાદિત પરંતુ અસરકારક રાખવાની નીતિ અપનાવે છે. તેનો મુખ્ય હેતુ વિરોધીઓને રોકવાનો છે, હથિયારોની સ્પર્ધામાં સામેલ થવાનો નથી.

ભારત વર્ષ 2025 દરમિયાન 92.1 અબજ અમેરિકન ડોલરના સંરક્ષણ ખર્ચ સાથે વિશ્વનો પાંચમો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરનાર દેશ રહ્યો હતો. સિપરીનાં નવા રિપોર્ટમાં ભારત અને પાક. વચ્ચે 2025 દરમિયાન સર્જાયેલા ગંભીર સૈન્ય તણાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2026 સુધી ભારતમાં અંદાજે 190 પરમાણુ હથિયારો હતા, જ્યારે પાકિસ્તાન પાસે આશરે 170 પરમાણુ હથિયારો હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાને પણ 2025 દરમિયાન નવી હથિયાર પ્રણાલીઓના વિકાસનું કામ ચાલુ રાખ્યું હતું, જેના કારણે આગામી દાયકામાં તેના પરમાણુ ભંડારમાં વધારો થવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક