પીપળીધામ રામાપીરના દર્શન કરી પરત ફરતી વખતે બળદેવ હોટલ નજીક સર્જાયો જીવલેણ અકસ્માત, પરિવારોમાં ભારે કલ્પાંત
(ફૂલછાબ
ન્યુઝ)
ચોટીલા,
તા.9 : ચોટીલા - સાયલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાંગાણી ગામના ઓવરબ્રીજ અને બળદેવ હોટલ
નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા એક આઇસર ટ્રકના
ચાલકે મોટરસાયકલને જોરદાર ઠોકર મારતાં રાજકોટના સોરઠિયા પ્રજાપતિ (કુંભાર) જ્ઞાતિના
બે કુટુંબી ભાઈનાં કરુણ મૃત્યુ નીપજ્યાં છે. આ અકસ્માતને પગલે બન્ને યુવકના પરિવારોમાં
માતમ છવાઈ ગયો છે.
મળતી
વિગત મુજબ, રાજકોટના ગાંધીગ્રામ ભારતીનગર-1, ઉદય હોલની પાછળ રહેતા જતીનભાઇ રણછોડભાઈ
ભલસોડ (ઉં.વ. 26) અને માધાપર ચોકડી પાસે માતૃ મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા તેમના
પિતરાઈ ભાઈ મયુરભાઇ મથુરભાઈ ભવાનભાઈ ભલસોડ (ઉં.વ. 27) ગઈકાલે બાઇક લઈને સુરેન્દ્રનગર
નજીક આવેલા પ્રખ્યાત પીપળીધામ રામાપીરનાં મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને સુખરૂપ
પરત ફરી રહ્યા હતા ત્યારે ચોટીલાનાં સાંગાણી ગામ પાસે કાળમુખા આઇસર ટ્રકે તેમની બાઇકને
ઉલાળી દીધી હતી. ટ્રકની ભયાનક ટક્કરનાં કારણે બન્ને ભાઈઓ રોડ પર ફગાવી દેવાયા હતા.
જેમાં મયુરભાઇ ભલસોડનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાનાં કારણે કમકમાટીભર્યું મૃત્યુ
નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા જતીનભાઈ ભલસોડને તત્કાલ સારવાર અર્થે રાજકોટ
સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમણે પણ હોસ્પિટલના
બિછાને દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ચોટીલા પોલીસને જાણ કરતાં
પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક
જતીનભાઇ બે બહેનનો એકનો એક મોટો ભાઈ હતો અને અપરિણીત હતો. તેના પિતા ખેતી મજૂરી કરે
છે અને પોતે લેથ તથા ગેરેજનું કામકાજ સંભાળી પરિવારને આર્થિક મદદ કરતો હતો જ્યારે બીજા
મૃતક મયુરભાઈ બે ભાઈ અને બે બહેનમાં સૌથી નાના હતા. તેમના પિતા હયાત નથી અને તેઓ કન્સ્ટ્રક્શન
સાઇટ પર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા.