• શુક્રવાર, 12 જૂન, 2026

સુરતમાં સાતમા માળેથી બારીમાં કૂદી પોલીસે બચાવ્યો યુવકનો જીવ

માનસિક તણાવગ્રસ્ત યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

સુરત, તા. 10 : સુરત જિલ્લાના લસકાણા નજીક ખોલવાડ ગામમાં એક યુવકે માનસિક તણાવના કારણે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં પોલીસે પોતાની જાન જોખમમાં મૂકી તેનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં પી.સી.આર. વાનના જવાનોની બહાદુરી અને સમયસૂચકતાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

મળતી માહિતી મુજબ, ખોલવાડ ગામ સ્થિત સ્ટાર પવિત્ર નગરી એપાર્ટમેન્ટના સાતમા માળે રહેતા કિરણભાઈ ધામેલિયાએ કોઈ અંગત કારણસર માનસિક રીતે ભાંગી પડી પોતાના ફ્લેટમાં બંધ થઈ ઝેરી દવા પીવાની તૈયારી કરી હતી. ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને થતાં જ નજીકમાં પેટ્રાલિંગ કરી રહેલી પી.સી.આર. વાન નં. 81ના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ગાવિંદભાઈ અને તેમના ડ્રાઇવર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસ માટે અંદર પ્રવેશવો મુશ્કેલ બન્યો હતો. ત્યારે કોન્સ્ટેબલ શૈલેષભાઈએ હિંમત દાખવી બાજુના ફ્લેટમાંથી પાછળની બારી મારફતે જોખમી રીતે અંદર પ્રવેશ કર્યો. અંદર પહોંચતાં કિરણભાઈ ઝેરી દવા પી રહ્યા હોવાનું જણાતા તેમણે તરત જ દવા પીતા અટકાવ્યા હતા. યુવકે થોડી માત્રામાં દવા પી લીધી હોવાથી પોલીસ જવાનોએ વિલંબ કર્યા વગર તેમને કામરેજની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સમયસર સારવાર મળતાં યુવકનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટનાએ પોલીસની ફરજનિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક