• મંગળવાર, 23 જૂન, 2026

લખનઉમાં ગોઝારો અગ્નિકાંડ : 15 જીવતા ભૂંજાયા

- કોચિંગ સેન્ટરની ઈમારતમાં લાગેલી આગે છાત્રોનો ભોગ લીધો : જીવ બચાવવા લોકો

ઉપરના માળેથી કૂદ્યાં : યોગી આદિત્યનાથ આકરાપાણીએ : પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

લખનઉ, તા. 22 : ઉત્તર પ્રદેશનાં પાટનગર લખનઉમાં સોમવાર ગોઝારો બની ગયો. ગુજરાતમાં સુરતમાં બનેલા તક્ષશિલા અને રાજકોટનાં ટીઆરપી અગ્નિકાંડની યાદ અપાવી દેનારો આ ભયાનક અગ્નિકાંડ એક કોચિંગ સેન્ટરની ઈમારતમાં બન્યો હતો અને તેમાં મોટાભાગનાં છાત્રો સહિત કુલ 15 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતાં. અનેક છાત્રો જીવ બચાવવા માટે ઈમારતની બારીઓમાંથી કૂદકા માર્યા હોવાથી ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણકારી મળતા જ આગ બૂઝાવવા અને બચાવ કામગીરી માટે ફાયરબ્રિગેડ સહિતની ટુકડીઓ દોડી ગઈ હતી. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાનાં તમામ કાર્યક્રમ રદ કરીને લખનઉ પહોંચ્યા હતા. જ્યાં સૌથી પહેલા અધિકારીઓનો ઉધડો લીધો હતો અને જવાબદારો સામે આકરી કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ લખનઉ પહોંચ્યા હતા. બનાવ અંગે પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને પીડિતોને મદદનું એલાન કરવામાં આવ્યું હતું.

લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલી ઈમારતમાં આગ લાગ્યા બાદ કલાકો સુધી રેસ્કયુ અભિયાન ચાલ્યું હતું. ફાયર બ્રિગેડ, પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ અને સિવિલ ડિફેન્સની ટીમોએ ઈમારતના દરેક ફલોરની તલાશી લીધી હતી. જેમાં સામે આવ્યું હતું કે અમુક છાત્રો જીવ બચાવવા માટે ટોયલેટ અને બાથરૂમમાં છુપાયા હતા. ભારે ધુમાડા વચ્ચે બચાવ કર્મચારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ઘણા સ્થળે અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે દિવાલો તોડવી પડી હતી. આગના સમયે અમુક લોકોએ જીવ બચાવવા માટે ઉપરના માળેથી છલાંગ મુકી હતી અને તેમાં ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત પુરા વિસ્તારમાં આગના કારણે ભારે અફરાતફરી મચી હતી.

જે ઈમારતમાં આગ લાગી તેના પહેલા માળે પેટ શોપ અને ક્લિનિક હતા. જ્યારે બીજા માળે લર્નિંગ સ્પેસ નામનું એક કોંિચંગ-ટ્રેનિંગ સેન્ટર હતું.  અહેવાલ અનુસાર આગ ઈમારતમાં ચાલતા પેટ શોપમાં લાગી હતી અને જોતજોતામાં પુરી ઈમારત આગની ચપેટમાં આવી હતી.

આ બનાવની જાણકારી મળતા જ સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા તેમજ પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને  લખનઉ પહોંચી ગયા હતા. સીએમ યોગીએ આ સમયે ફાયર બ્રિગેડ અને અન્ય સંબંધિત અધિકારીઓનો ઉધડો લીધો હતો. બાદમાં હોસ્પિટલે પહોંચીને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિજનોને મળ્યા હતા. યોગીએ આ બનાવમાં જવાબદાર કોઈને પણ ન છોડવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું હતું કે આગ અચાનક લાગી હતી અને ઈમારતમાં એક એનિમેશન ટ્રેનિંગ સેન્ટર (કોચિંગ ક્લાસ) હતું. આગ લાગ્યા બાદ છાત્રો ઈમારતના પાછળના હિસ્સા તરફ ભાગ્યા હતા પણ પોતાનો જીવ બચાવી શક્યા નહોતા. આ સમયે બ્રજેશ પાઠક પણ રડવા લાગ્યા હતા.

આગના ગોઝારા બનાવ અંગે પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કરતા પીડિતોને આર્થિક સહાયનું એલાન કર્યું હતું. પીએમઓ તરફથી જાહેર સુચના અનુસાર પીએમએનઆરએફ (પ્રધાન મંત્રી રાષ્ટ્રીય રાહત કોષ)માંથી દરેક મૃતકના પરિવારને બે લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે અને ઘાયલોને 50 હજાર રૂપિયા અપાશે. જ્યારે સીએમ યોગીએ મૃતકોના પરિજનોને 5-5 લાખની મદદનું એલાન કર્યું હતું.  આ ઉપરાંત અખિલેશ યાદવ, માયાવતી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓએ બનાવ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક