ભીષણ
લૂ, ઓછો વરસાદ અને દુકાળ સહિતની સ્થિતિ પેદા થવાની શક્યતા વ્યક્ત કરતું ડબલ્યૂએમઓ
નવીદિલ્હી,
તા.22: આ વર્ષે ચોમાસાએ ભારતને ચિંતામાં મૂક્યું છે. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન (ડબલ્યૂએમઓ)
દ્વારા ચેતવણી જારી કરવામાં આવી છે કે, પ્રશાંત મહાસાગરમાં અલ-નીનોની સ્થિતિ ઝડપથી
વિકસી રહી છે અને તે વર્ષનાં અંત ભાગ સુધી જળવાઈ રહી શકે છે. જેમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન
80 ટકા અને નવેમ્બર સુધી 90 ટકા કરતા વધુ સંભાવના છે કે, અલ-નીનો સક્રિય રહેશે.
આ કુદરતી
જળવાયુ ઘટના ભારતનાં ચોમાસા, તાપમાન અને કૃષિને વિપરિત રીતે પ્રભાવિત કરી શકે છે. ભારતીય
હવામાન વિભાગે આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની આગાહી અગાઉથી જ કરેલી
છે અને અલ-નીનો હવે આ સ્થિતિને વધુ ડામાડોળ કરે તેવી ભીતિ છે.
ડબલ્યૂએમઓનાં
કહેવા અનુસાર આ વર્ષે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ભારતના અનેક ભાગોમાં વરસાદ પ0થી 70 ટકા
જેટલો ઓછો રહી શકે છે. ઉત્તર, ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં તાપમાન સામાન્ય
કરતાં વધુ રહેવાની સંભાવના 60થી 70 ટકા જેટલી છે.
જૂન
સુધીમાં ભારતમાં 40થી 60 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. અલ-નીનોનાં કારણે ભેજવાળા
પવનો કમજોર પડી રહ્યા છે અને તેના હિસાબે મધ્યભારત, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તરપ્રદેશ
જેવાં રાજ્યોમાં દુકાળની સ્થિતિ પણ નિર્માણ પામી શકે છે.
વૈશ્વિક
તાપમાનમાં વૃદ્ધિનાં કારણે અલ-નીનો જેવી ઘટનાઓ વધુ તીવ્ર અને વારંવાર બનવા લાગી છે.
નાસાનાં સેટેલાઇટ ડેટામાં પણ જોવા મળે છે કે, સમુદ્ર ગરમ થઈ રહ્યા છે અને તેના હિસાબે
આત્યંતિક હવામાનની ઘટનાઓ વધે છે. નાસા, ડબલ્યૂએમઓ અને ભારતીય હવામાન વિભાગ આઇએમડીની
ચેતવણીઓ સ્પષ્ટ ઈશારો કરી જાય છે કે, આ વખતે દેશમાં ઓછા વરસાદ અને દુષ્કાળ સુધીનો ખતરો
ઝળૂંબી રહ્યો છે. જેની સામે અગમચેતી રાખીને તૈયારીઓ કરવી આવશ્યક બને છે.