• મંગળવાર, 23 જૂન, 2026

સ્પેન નોકઆઉટ રાઉન્ડ ભણી : ઇજીપ્તનો 92 વર્ષ પછી વિજય

લડાયક ઇરાને બેલ્જિયમને અને કેપ વર્ડેએ ઉરૂગ્વેને ડ્રો પર અટકાવી અપસેટ કર્યા

ન્યૂયોર્ક/વેનકુંવર, તા.22 : ફૂટબોલ વર્લ્ડ કપના 11મા દિવસે ખિતાબની પ્રબળ દાવેદાર ગણાતી સ્પેન ટીમ નોકઆઉટ રાઉન્ડમાં નજીક પહોંચી છે. તેનો બીજા લીગ મેચમાં સાઉદી અરબ સામે 4-0 ગોલથી શાનદાર વિજય થયો હતો જ્યારે ઇજીપ્તે 92 વર્ષના લાંબા ઈંતઝાર પછી ફીફા વર્લ્ડ કપમાં પહેલી જીત નોંધાવી છે. બીજી તરફ ઉરૂગ્વે જેવી મજબૂત ટીમ વિરુદ્ધ કેપ વર્ડે દેશની ટીમે અપસેટ કરીને મેચ 2-2થી ડ્રો કર્યો હતો. લડાયક ઇરાને ફરી એકવાર સંઘર્ષ કરીને સહુનાં દિલ જીતી લીધાં હતાં. ઇરાન અને બેલ્જિયમનો મેચ 0-0થી ડ્રો રહ્યો હતો.

ગ્રુપ એચના ગઇકાલના મેચમાં સ્પેને શાનદાર દેખાવ કરીને સાઉદી અરબને 4-0 ગોલથી સજ્જડ હાર આપી હતી. સ્પેનની આ જીતમાં યુવા ખેલાડી લામિન યામલ અને સ્ટ્રાઇકર મિકેલ ઓયારજાબલની મુખ્ય ભૂમિકા હતી. યામલે એક ગોલ કર્યો અને ઘણા મોકા બનાવ્યા હતા જ્યારે મિકેલે બે ગોલ કર્યા હતા.

ગ્રુપ જીનો બેલ્જિયમ અને ઇરાન વચ્ચેનો મેચ ગોલરહિત ડ્રો રહ્યો હતો. બન્ને ટીમને વર્તમાન વર્લ્ડ કપમાં પહેલી જીતનો ઈંતઝાર છે. બન્ને ટીમ તેના ગ્રુપમાં 2-2 મેચમાં 2-2 અંક ધરાવે છે અને પોઇન્ટ ટેબલ પર ઇરાન બીજા અને બેલ્જિયમ ત્રીજાં સ્થાને છે. આ ગ્રુપમાં ઈજીપ્ત (4) પહેલા અને ન્યુઝીલેન્ડ (1) અંતિમ સ્થાન પર છે.

ગ્રુપ જીના ગઈકાલના અન્ય એક મુકાબલામાં ઈજીપ્ત ટીમે ઈતિહાસ રચ્યો હતો. સ્ટાર સ્ટ્રાઇકર મોહમ્મદ સાલાહની આગેવાનીમાં ઇજીપ્તે ન્યુઝીલેન્ડ ટીમને 3-1 ગોલથી હાર આપી તેના ગ્રુપમાં ટોચ પર જગ્યા બનાવી હતી. ખાસ વાત એ રહી હતી કે ફીફા વર્લ્ડ કપમાં 1934માં પહેલીવાર રમનાર ઇજીપ્ત ટીમને હવે 92 વર્ષ પછી પહેલો વિજય મળ્યો છે. આ મેચમાં ઇજીપ્તના કપ્તાન સાલાહે એક ગોલ કર્યો હતો.

ગ્રુપ એચના ગઈકાલના મેચમાં ઉલટફેર થયો હતો. પહેલીવાર વર્લ્ડ કપ રમી રહેલ અજાણ્યા દેશ કેપ વર્ડેની ટીમે પૂર્વ ચેમ્પિયન ટીમ ઉરૂગ્વેને 2-2 ગોલની બરાબરી પર રોક્યું હતું. કેપ વર્ડે ટીમને તેના શાનદાર ડિફેન્સથી પહેલા મેચમાં પણ મજબૂત સ્પેનને ડ્રો પર રોક્યું હતું. ગ્રુપ એચમાં ઉરૂગ્વે અને કેપ વર્ડે 2-2 મેચ પછી 2-2 અંક સાથે બીજા-ત્રીજા સ્થાને છે. સ્પેન (4) ટોચ પર છે અને સાઉદી અરબ (1) અંતિમ ક્રમે છે.

સ્પેન      4          સાઉદી અરબ       0

ઇજીપ્ત   3          ન્યુઝીલેન્ડ           1

ઉરૂગ્વે    2          કેપ વર્ડે   2

બેલ્જિયમ           0          ઇરાન     0

ઇ-પેપરના નવા શુલ્ક