• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

પાસપોર્ટ ચકાસણી માટે હવે લોકોએ પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવો નહીં પડે

પાસપોર્ટ ચકાસણીની પ્રક્રિયા પારદર્શક અને સરળ બનાવવા પોલીસ અધિકારીઓને ડીજીપીનો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.4 ગુજરાતના નાગરિકોએ હવેથી પાસપોર્ટની ચકાસણી કરાવવા માટે લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે પાસપોર્ટની ચકાસણી મેટે નાગરિકોને બિનજરૂરી પોલીસ સ્ટેશનમાં નહીં બોલાવવા કડક આદેશ આપ્યો છે. નિર્ણયને પગલે હવે રાજ્યમાં પાસપોર્ટ બનાવવા માટે લોકોને પોલીસ સ્ટેશનના ધક્કામાંથી મુક્તિ મળશે.

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રાસિંહ મલિક દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ ચકાસણી અર્થાત્ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને મહત્ત્વપૂર્ણ નિર્દેશો આપવામાં આવ્યા છે. નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે બિનજરૂરી ધક્કા ખાવા પડે તે હેતુથી વહીવટી પ્રક્રિયામાં કેટલાક મહત્ત્વના સુધારા અંગે સ્પષ્ટતા કરાઈ છે.

પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપોર્ટ  અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહે છે.

પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલું નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની પણ જરૂર રહેતી નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ કિસ્સામાં પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. તેમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની આવશ્યકતા રહેશે નહીં.

રાજ્ય પોલીસ વડાએ પોલીસ અધિકારીઓને સૂચનાઓનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. સાથોસાથ રાજ્યના તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય અને કોઈપણ બિનજરૂરી પ્રક્રિયામાં પડે નહીં.

 

ઇ-પેપરના નવા શુલ્ક