• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

જેતપર બાદ મોરબીના 29 ગામમાં ‘ભાજપે મત માગવા નહીં આવવું’ના બેનર લાગ્યા

લડી લેવાના મક્કમ નિર્ધાર સાથે લડત આપી રહ્યા છે ખેડૂતો

મોરબી, તા. 4 જેતપર ગામે ખેડૂતો વીજ લાઈન વળતર મુદે લડત ચલાવી રહ્યા છે જોકે તંત્ર મચક આપતું નથી ત્યારે ખેડૂતો પણ લડી લેવાના મક્કમ નિર્ધાર સાથે લડત આપી રહ્યા છે જેમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નેતાઓએ મત માગવા આવવું નહીં તેવા બેનરો લગાવવાની જેતપર ગામે શરૂઆત કર્યા બાદ બે દિવસમાં જિલ્લાના 29 ગામમાં બેનરો લાગી ચૂક્યા છે  વીજલાઈનમાં ખેડૂતોની માગણી મુજબ પરિપત્ર બનાવવામાં નહીં આવે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ મત માંગવા આવવું નહિ તેવી શરૂઆત જેતપર ગામથી કરવામાં આવી હતી. બાદમાં માત્ર બે દિવસમાં જેતપર, વાઘપર, જીકિયારી, વિશાલનગર, ખીરઈ, રોહીશાળા, શાપર, જસમતગઢ, રંગપર, બેલા, પીપળી, લક્ષ્મીનગર, નવા સાદુળકા, ભરતનગર, ધરમપુર, ટીંબડી, હરીપર, કેરાળા, ભક્તિનગર, કુંભારિયા, રવાપર (નદી) દાદાશ્રીનગર, રોટરી ગામ (અમરનગર) , કૃષ્ણનગર, ગુંગણ, ગાળા, પીલુડી, નવા દેવળિયા તેમજ જબલપુર ગામમાં પણ બેનરો લાગી ચૂકયા છે.

 મોરબી જિલ્લાના મોરબી, માળિયા, ટંકારા અને હળવદ તાલુકાના કુલ 29 ગામમાં બેનરો લાગ્યા છે.

અણિયારી અને રાપર ગામના ખેડૂતો સત્યાગ્રહમાં જોડાયા

ગુજરાત સત્યાગ્રહ છાવણી જેતપર ખાતે ખેડૂતો દ્વારા વિરોધ ચાલી રહ્યો છે. આજે તારીખ 4 ઓગસ્ટના રોજ અણિયારી અને રાપર ગામના ખેડૂતો સત્યાગ્રહમાં જોડાયા હતા. અણિયારી અને રાપર ગામના 8 ખેડૂત બહેનો અને 12 ખેડૂત ભાઈઓ પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. વિરોધ પ્રદર્શન અને પ્રતીક ઉપવાસને ટેકો આપવા 450 જેટલા લોકોની ઉપસ્થિતિ રહી હતી. સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત ખેડૂતો દ્વારા ધૂન બોલાવવામાં આવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક