• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

મંત્રીમંડળના વિસ્તરણ બાદ કર્ણાટક કોંગ્રેસમાં અસંતોષની આગ ભડકી

અસંતોષમાં કોઈ રાજીનામું આપશે તો તુરંત સ્વીકારી લેવાશે : શિવકુમાર

નવીદિલ્હી, તા.4 : કર્ણાટકમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ કોંગ્રેસમાં અસંતોષની આગ ફાટી નીકળી છે અને કેટલાક વિધાયકોએ રાજીનામા ધરી દેવાની ધમકીઓ પણ આપી હતી. જેની સામે હવે  મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આવા અસંતોષી ધારાસભ્યોને કડક ચેતવણી આપતા કહી દીધું હતું કે, પાર્ટી સૌથી મહત્ત્વપૂર્ણ છે. જો કોઈ ધારાસભ્ય રાજીનામું આપશે તો તેને થોડા જ મિનિટોમાં સ્વીકારી લેવામાં આવશે.

મુખ્યમંત્રીએ અસંતોષી ધારાસભ્યોને ધીરજ રાખવા અને પોતાના અવસરની રાહ જોવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે રાજ્ય સંચાલિત બોર્ડો અને નિગમોમાં ટૂંક સમયમાં નિમણૂકો કરવામાં આવશે. ધારાસભ્યો દ્વારા રાજીનામાની ધમકી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિવકુમારે કહ્યું હતું કે, મારે જે કહેવું હતું તે હું કહી ચૂક્યો છું. રાજકારણમાં રાજીનામા તો થતા જ રહે છે. કોઈને પણ રાજીનામું આપતા રોકી શકાય નહીં. જો તેમને પાર્ટી અને પોતાનું રાજકીય ભવિષ્ય બન્ને જોઈએ છે, તો પાર્ટી સૌથી મહત્ત્વપૂર્ણ છે. પાર્ટી હશે તો બધું જ હશે. ધર્મ સિંહ અને સિદ્ધારમૈયા મુખ્યમંત્રી હતા ત્યારે મને મંત્રી બનાવવામાં આવ્યો નહોતો. હું પણ ત્યારે રાજીનામું આપી શક્યો હોત. શું પરમેશ્વર (ઉપમુખ્યમંત્રી) અને મેં ધીરજ રાખી નહોતી ? ધીરજ રાખવી ખૂબ જરૂરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક