નવી દિલ્હી, તા. 3 : દેશભરમાં ચોમાસું પૂરી રીતે સક્રિયતા બતાવી રહ્યું છે અને દિલ્હી-એનસીઆર, યુપી, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન સહિત 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં બનેલા દબાણનાં કારણે ભારે વરસાદ પણ પડી રહ્યો છે. બીજી તરફ કેરળમાં વરસાદ અને પૂરનો કહેર સતત ચાલી રહ્યો છે. અત્યારસુધીમાં કેરળમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 15 લોકોએ જીવ ગુમાવ્યો છે અને સાત લોકો હજી પણ લાપતા છે. ભારતીય હવામાન વિભાગે 15 રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ અનુસાર દિલ્હી એનસીઆરથી
લઈને યુપી-બિહાર સુધી ભારે વરસાદ થઈ શકે છે જ્યારે કેરળ, કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન,
પશ્ચિમ બંગાળમાં પણ વરસાદની સંભાવના છે. પૂર્વોત્તર અને ઉત્તર ભારતમાં ચોમાસુ ગતિવિધિ
પૂરી રીતે સક્રિય રહેશે. પહાડી રાજ્યોમાં પણ વરસાદની પૂરી સંભાવના છે. આ દરમિયાન દેશના
ઘણા રાજ્યોમાં ભારે વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જેનાં પરિણામે હવામાન
વિભાગ દ્વારા લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે
બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાના કારણે સતત વરસાદ થઈ રહ્યો છે. આગામી એક અઠવાડીયા સુધી
દેશના અલગ અલગ વિસ્તારમાં વરસાદનું જોર રહેશે. આ દરમિયાન કેરળમાં વરસાદે તારાજી સર્જી
છે અને અત્યારસુધીમાં 15 લોકોનાં મૃત્યુ થયા છે. સાત લોકો હજી પણ લાપતા છે.