• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

સુદર્શન અને નબી વિના ભારતીય ટીમ શ્રીલંકા પહોંચી

શુક્રવારથી ત્રણ દિવસીય અભ્યાસ મેચ

મુંબઈ, તા.4: શ્રીલંકા વિરુદ્ધ 1પ ઓગસ્ટથી શરૂ થનાર બે મેચની ટેસ્ટ શ્રેણી માટે શુભમન ગિલની કપ્તાનીમાં ભારતીય ટીમ આજે શ્રીલંકા પહોંચી છે. ટીમ સાથે ડાબોડી બેટર સાઇ સુદર્શન જોડાયો નથી. તે બેંગ્લુરુ સ્થિત બીસીસીઆઇના સેન્ટર ઓફ એકસીલેંસમાં ફિટનેસ રીકવરી પર કામ કરી રહ્યો છે. બુમરાહનાં સ્થાને ટીમમાં સામેલ જમ્મૂ-કાશ્મીરનો ઝડપી બોલર આકિબ નબી પણ ટીમ સાથે શ્રીલંકા રવાના થયો ન હતો. સાઇ સુદર્શન અને આકિબ નબી સપ્તાહના અંતે શ્રીલંકા પહોંચશે તેવી સંભાવના છે.

શ્રીલંકામાં પહેલો ટેસ્ટ રમતા અગાઉ ભારતીય ટીમ 7થી 9 ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસીય અભ્યાસ મેચ રમશે. જો સુદર્શનને ફિટનેસ ક્લીયરન્સ મળી જશે તો તે અભ્યાસ મેચનો લગભગ હિસ્સો બનશે. હાલમાં જ શ્રીલંકા પ્રવાસમાં ઇન્ડિયા એ ટીમ તરફથી સુદર્શને શાનદાર દેખાવ કરીને બે મેચમાં બે સદીથી કુલ 332 રન કર્યા હતા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દોડમાં બની રહેવા માટે ટીમ ઇન્ડિયા માટે શ્રીલંકા સામેની શ્રેણી ઘણી મહત્ત્વની છે. હાલ ભારતીય ટીમ પોઇન્ટ ટેબલ પર 4 જીત, 4 હાર અને 1 ડ્રો સાથે પાંચમા નંબર પર છે. ભારતીય ટીમે બાકીના 9 મેચમાંથી ઓછામાં ઓછા 7 ટેસ્ટમાં જીત જરૂરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક