• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

હોર્મુઝમાં ઉઘરાણું શરૂ કરવાની તૈયારીમાં ઈરાન-ઓમાન સર્વિસ ફી વસૂલવા માટે બન્ને દેશ સમજૂતીની નજીક

અમેરિકાને આવી કોઈપણ સમજૂતી અસ્વીકાર્ય

વસૂલાત શરૂ થાય તો ભારત સહિતનાં દેશને ઊર્જા પડશે વધુ મોંઘી

નવી દિલ્હી, તા.4 ઈરાન અને ઓમાન હોર્મુઝ જળમાર્ગમાં જહાજોની અવરજવરનું નિયંત્રણ કરવા અને સર્વિસ ફી વસૂલવા માટે એક કરારની નજીક પહોંચ્યા હોવાનો દાવો આંતરરાષ્ટ્રીય મીડિયામાં થયો છે. જો કરાર થઈ જાય, તો હોર્મુઝ જળમાર્ગ અમેરિકાના હસ્તક્ષેપ વિના જહાજો માટે ખુલ્લો રહેશે. જોકે, જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પર ઈરાન અને ઓમાન નજર રાખશે અને તેમની પાસેથી ટેક્સ-ટોલ પણ ઉઘરાવશે.

ઈરાનનું કહેવું છે કે તેની મંજૂરી વિના કોઈપણ જહાજ હોર્મુઝ જળમાર્ગ પાર કરી શકશે નહીં, જ્યારે અમેરિકા વલણનો વિરોધ કરી રહ્યું છે. અહેવાલ મુજબ, નવી વ્યવસ્થા હેઠળ પર્શિયન ખાડીમાંથી આવતા જહાજો ઈરાનના કિનારા નજીક આવેલી ઉત્તર શાપિંગ લેનનો ઉપયોગ કરશે. જ્યારે અરબી સમુદ્ર તરફ જતાં જહાજો ઓમાન નજીક આવેલી દક્ષિણ શાપિંગ લેનમાંથી પસાર થશે.

યોજના હોર્મુઝ જળમાર્ગ પર ઈરાન અને ઓમાનના અધિકારોને મજબૂત બનાવશે. યુદ્ધ પહેલાં જળમાર્ગ આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગ તરીકે ઓળખાતો હતો અને તમામ દેશોના જહાજો માટે નિઃશુલ્ક અવરજવર માટે ખુલ્લો હતો.

હોર્મુઝ જળમાર્ગ પર ઈરાન અને ઓમાનના નિયંત્રણની કિંમત દુનિયાએ ચૂકવવી પડશે.ઈરાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેહરાનનો ઔપચારિક ટોલ વસૂલવાનો ઈરાદો નથી, પરંતુ તે સર્વિસ ફીના નામે રકમ વસૂલશે. માહિતી મુજબ, રકમનો ઉપયોગ પર્યાવરણ પર પડતી અસરને પહોંચી વળવા અને તેલના ટેન્કરોની સુરક્ષા માટે કરવામાં આવશે. સર્વિસ ફીમાંથી થતી આવક ઈરાન અને ઓમાન વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. અમેરિકાએ ઈરાન અને ઓમાન વચ્ચે થનારી સંભવિત સમજૂતીનો વિરોધ કર્યો છે.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, વાશિંગ્ટન એવો કોઈ કરાર સ્વીકારશે નહીં, જે સમુદ્રી માર્ગોમાં મુક્ત અવરજવરની વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવામાં નિષ્ફળ જાય. એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ કહ્યું કે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજોને ઈરાનની મંજૂરી લેવાની જરૂર નથી અને તેના માટે કોઈ ફી પણ ચૂકવવી જોઈએ નહીં. તેમણે ઉમેર્યું કે એક આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગ છે, જેના પર કોઈ એક દેશ મનમાની કરી શકતો નથી.

હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પાસેથી સર્વિસ ફી વસૂલવાની ઈરાન અને ઓમાનની યોજના ભારત માટે મોટો પડકાર બની શકે છે. ભારત હોર્મુઝ જળમાર્ગ મારફતે મોટા પ્રમાણમાં કાચું તેલ અને કુદરતી ગેસની આયાત કરે છે. ઉપરાંત, ખાડી દેશો સાથેના વેપાર માટે પણ માર્ગનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં જો હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવા માટે સર્વિસ ફી ચૂકવવી પડશે, તો ભારતના ઊર્જા આયાતનો ખર્ચ વધી શકે છે. તેના પરિણામે દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનો અને ગેસના ભાવ પર પણ અસર જોવા મળી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક