• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

45 વર્ષની પ્રેમિકાને 25 વર્ષના પ્રેમીએ ટ્રેન નીચે ફેંકી હત્યા કરી

ગોંડલના ગુંદાળા ફાટક પાસે મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો : ધરાર લગ્નની જીદ બની મોતનું કારણ

ગોંડલ  તા.5 : ગોંડલમાં ગુંદાળા ફાટકથી સાંઢીયાપુલ તરફ રેલવે ટ્રેક પાસેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યાની ઘટનામાં પ્રથમ દૃષ્ટિએ  બનાવ અકસ્માત લાગતો હતો. પરંતુ રેલવે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ કોઈ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. 25 વર્ષના પ્રેમીએ પોતાની 45 વર્ષની પ્રેમિકાને ધરાર લગ્નની જીદથી કંટાળીને ચાલુ ટ્રેને ધક્કો મારીને મૃત્યુને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મંગળવાર સવારે ગુંદાળા ફાટકથી થોડે દુર રેલ્વે ટ્રેક પાસે

(જુઓ પાનું 8)

મહીલાની લાશ પડી હોવાની જાણ થતાં રેલવે પોલીસ અને બી-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતકના પર્સમાંથી મળેલા પુત્રના મોબાઈલ નંબરના આધારે પરિજનોનો સંપર્ક કરાયો હતો. જેમાં મૃતકની ઓળખ મંજુલાબેન વિનુભાઈ બારૈયા (ઉ.વ. 45) તરીકે થઈ હતી. મૃતદેહ પર ઈજાના નિશાનો હોવાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ પ્રાથમિક રિપોર્ટમાં આ બનાવ હત્યા હોવાનું જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, મંજુલાબેન છેલ્લા બે વર્ષથી પોતાના પતિથી અલગ રહેતા હતા. તેમનો પતિ ભાવનગરના અલંગમાં કામ કરે છે. તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે, જેમાંથી મોટી દીકરી જામનગર અને નાની દીકરી જામકંડોરણા સાસરે છે. મોટો દીકરો રીબડા રહીને ડ્રાઇવિંગ કરે છે, જ્યારે નાનો દીકરો જામકંડોરણા બહેન સાથે રહે છે. મંજુલાબેન ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલા વિજયનગરમાં એકલા રહીને હોટેલ અને કેટારિંગમાં રસોઈનું કામ કરી પોતાનું જીવનનિર્વાહ ચલાવતા હતા.

પોલીસે મંજુલાબેન સાથે રિલેશનશિપમાં રહેતા પ્રકાશ સોલંકી (ઉ.વ. 25) નામના શખ્સને ઉઠાવી આકરી પૂછપરછ કરતા પોલીસ સામે હત્યાની કબૂલાત આપી હતી. પ્રકાશે જણાવ્યું કે, થોડા સમય પૂર્વે બંને પરિચયમાં આવ્યા હતા અને બાદમાં પ્રેમસંબંધ બંધાયો હતો. મંજુલાબેન પ્રકાશ સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ 45 વર્ષની પરિણીતાને પોતાના ઘરની વહુ બનાવવા પ્રકાશનો પરિવાર તૈયાર ન હતો. પ્રકાશે લગ્નની ના પાડવા છતાં મંજુલાબેન સતત લગ્ન માટે જીદ કરતા હોવાથી પ્રકાશે કંટાળીને તેમને કાયમી શાંત કરી દેવાનો પ્લાન ઘડ્યો હતો. વહેલી સવારે પાંચથી છ વાગ્યાના અરસામાં પ્રકાશે મંજુલાબેનને રેલવે ટ્રેક પાસે મળવા બોલાવી, ત્યાંથી પસાર થતી ટ્રેન નીચે ધક્કો મારી દીધો હતો.

બનાવ રેલવે પોલીસની હદમાં બન્યો હોવાથી રેલવે પોલીસના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી. એચ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.યુ. વાળા, હેડ કોન્સ્ટેબલ મધુરાજાસિંહ વાળા સહિતના સ્ટાફે આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલી આરોપી પ્રકાશને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક