• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ હવે ગ્લાસગોથી ગુજરાત આવી પહોંચ્યો

કેબિનેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ મુખ્યમંત્રીને કોમનવેલ્થ ફ્લેગ અર્પણ કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.5 : વર્ષ 2030માં હવે ગુજરાતને આંગણે કોમનવેલ્થ ગેમ્સ (સીડબલ્યુજી) યોજાશે. હાલમાં જ ગ્લાસગો સીડબલ્યુજીનું સમાપન થતાં કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ આગામી 2030માં સીડબલ્યુજીના યજમાન રાજ્ય તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગ્લાસગોમાં સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ હવે તેઓ તેમની સાથેના પ્રતિનિધિ મંડળ સાથે ગ્લાસગોથી ગાંધીનગર આવી પહોંચ્યાં હતા.

 દરમિયાનમાં બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી મંત્રી મંડળ-કેબિનેટની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ આ કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ  મુખ્યમંત્રીને વિધિવત અર્પણ કર્યો હતો. આ અવસરે ગ્લાસગો ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2026માં પ્રતિનિધિત્વ કરનારા પેરા ખેલાડી રાકેશ ભટ્ટ અને રોહિત મજગુલ ઉપસ્થિત રહ્યા હતા. પેરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલ પણ જોડાયા હતા. જયારે નાયબ મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રને આ સીડબલ્યુજી ફ્લેગ અર્પણ કર્યો, તેને સમગ્ર મંત્રીમંડળે હર્ષોલ્લાસથી વધાવ્યો હતો.

હવે, સીડબલ્યુજી ફ્લેગ આગામી 2030ના સીડબલ્યુજી સુધી ગુજરાતમાં રહેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ફિટ ઈન્ડિયાના મંત્રને સાકાર કરવા સાથે સીડબલ્યુજીની પૂર્વ તૈયારીઓ અને ખેલાડીઓ માટે પ્રેરણાપુંજ બનશે.

 કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં વર્તમાન યજમાન દેશ દ્વારા કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ આગામી યજમાન દેશને  સોંપવાની પરંપરાનું વિશેષ મહત્ત્વ છે. ધ્વજનું હસ્તાંતરણ આગામી યજમાન દેશને ગેમ્સના આયોજનની જવાબદારી સોંપવાનું પ્રતીક છે.ધ્વજ પ્રાપ્ત થતાં જ આગામી યજમાન દેશ માટે ગેમ્સની તૈયારીઓનો ઔપચારિક પ્રારંભ માનવામાં આવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક