• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

મહારાષ્ટ્રની ડુંગળી મહુવા આવે તો કારખાના-ખેડૂત બન્નેને લાભ થશે !

મહારાષ્ટ્રનો ખેડૂત ઓછાં ભાવથી પીડાય છે, મહુવાની ફેક્ટરીઓને અપૂરતો માલ મળે છે : બન્નેનો સમન્વય જરુરી

રાજકોટ,તા.28: (ફૂલછાબ ન્યૂઝ) મહારાષ્ટ્ર ડુંગળીનું ઉત્પાદન કરવામાં અવ્વલ હોવા છતાં ખેડૂતોને ભાવ મળવાની વ્યાપક સમસ્યા થાય છે, તેની તુલનાએ ગુજરાતનો ખેડૂત વધારે કમાણી કરી શકે છે તે મુદ્દે અત્યારે ડુંગળીના વેપારીઓ વચ્ચે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. મહારાષ્ટ્રની ડુંગળી ગુજરાતના ડિહાઇડ્રેશન એકમોમાં મોટાંપાયે આવતી થાય તો મહુવાનો આ ઉદ્યોગ છ મહિના સુધી ઉત્પાદન કરી શકે અને ઉત્પાદકને સારાં ભાવ મળી શકે તેવી રજૂઆત મહારાષ્ટ્રના રાજ્ય કૃષિ ભાવ પંચના અધ્યક્ષ પાશા પટેલને કરવામાં આવી છે. મહુવા એપીએમસીમાં ગુજરાત-મહારાષ્ટ્ર ડુંગળી સમિતિની બેઠક તાજેતરમાં મળી હતી. એમાં ઉત્પાદકો અને ડિહાઇડ્રેશન એકમોના પ્રશ્નો ઉપરાંત ઉત્પાદનમાં આવતી સમસ્યાઓ તથા નિવારણ માટે ચર્ચા કરવામાં આવી હતી. 

મહારાજા ડિહાઇડ્રેશનના વિઠ્ઠલ કોરડિયાએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાવ ઓછાં મળે છે ખેડૂતો ગુજરાત મોકલે તો ત્યાંથી મહુવાનું ટ્રાન્સપોર્ટ ભાડું મોંઘું પડે છે. વચલા રસ્તામાં જો મહારાષ્ટ્ર સરકાર ટ્રાન્સપોર્ટ ભાડું સબસિડીરૂપે આપે તો પ્રશ્નનો હલ થઇ શકે તેમ છે.

તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની ડુંગળીના ભાવ નીચાં છે એનું કારણ તેમાં ટીએસએસ (ટોટલ સોલ્યૂબલ સોલિડ)ની ટકાવારી ઓછી હોય છે. મહારાષ્ટ્રમાં સ્ટોરેજની અપૂરતી સુવિધા છે એટલે બગડે તે પહેલા ડુંગળી વેંચવી પડે છે. બહાર મોકલવામાં ખેડૂતને પરિવહન ખર્ચ પરવડતું નથી.

બેઠકમાં થયેલી ચર્ચા મુજબ ગુજરાતમાં ડુંગળીની લણણી ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી ચાલે છે. એ કારણે ડિહાઇડ્રેશન ફેક્ટરીઓ ફક્ત ત્રણ માસ ચાલે છે, એ પછી કાચો માલ મળતો નથી. મહારાષ્ટ્રમાં ડુંગળીની લણણી એપ્રિલથી જૂન દરમિયાન થાય છે. જો એપ્રિલથી મહારાષ્ટ્રની ડુંગળી મહુવા આવતી થાય તો ફેક્ટરી વધારે મહિનાઓ ચાલે. એનાથી એકમો તો ચાલે પણ સાથે ખેડૂતને પણ સારો ભાવ મળી શકે.  મહારાષ્ટ્ર સરકારે તે માટે ડુંગળીમાં ટોટલ સોલ્યુબલ સોલિડ વધારવા પર ધ્યાન આપવું જોઇએ. ગુજરાતમાં તે વધારે છે. વધુ ટીએસએસ હોય તો વધારે પાઉડર કે ફ્લેક્સ બની શકે. ખેડૂતને એનાથી સારો ભાવ મળે. એ ઉપરાંત  ડુંગળીના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા પણ મહારાષ્ટ્રમાં વિકસાવવી જોઇએ. ડુંગળી અત્યંત ઝડપથી બગડી શકે તેવું કૃષિ ઉત્પાદન છે એટલે કોલ્ડ જરુરી છે. 

મહારાષ્ટ્રના ખેડૂતો પોતાની ડુંગળી ડિહાઇડ્રેશન માટે મહુવામાં વેચવા માંગે છે, પરંતુ મહારાષ્ટ્રથી મહુવા સુધી ડુંગળીના પરિવહન માટે આશરે રૂ.2 થી 2.50 પ્રતિ કિલો જેટલો ખર્ચ થાય છે, જે સબસિડી રૂપે આપવો જોઇએ.

મહારાષ્ટ્રના જે વિસ્તારોમાં હવામાન અને જમીનની પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યાં લસણનું ઉત્પાદન વધારવા માટે પ્રયાસો કરવા જોઈએ. ભારત દર વર્ષે આશરે 1,50,000 ટન ડિહાઇડ્રેટેડ ડુંગળી અને લસણની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. તેમાં આશરે 1,20,000 ટન ડિહાઇડ્રેટેડ ડુંગળી અને 30,000 ટન ડિહાઇડ્રેટેડ લસણનો સમાવેશ થાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક