• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

ઈસુદાન ગઢવી કાલથી જામખંભાળિયામાં અનિશ્ચિત મુદતનાં ધરણા પર બેસશે

દુષ્કાળ જાહેર કરવા સહિત ચાર માગણીઓ સાથે સરકારને અલ્ટિમેટમ, સૌની યોજનાનું પાણી છોડવાની પણ માગ

(ફૂલછાબ ન્યુઝ)

જામ ખંભાળિયા તા.27 : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકો ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે સરકાર ખેડૂતોની પડતર માંગણીઓ અંગે 29 ઓગસ્ટ સુધીમાં યોગ્ય નિર્ણય નહીં લે તો તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે અનિશ્ચિતકાળ સુધી ધરણા પર બેસશે.

ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નહિવત પડવાને કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં છે. નિયમો અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવો જોઈએ, પરંતુ સરકાર ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે ગંભીરતા દાખવી રહી નથી.

ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જેમાં રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવામાં આવે. જ્યાં જરૂરી હોય ત્યાં સૌની યોજનાનું પાણી છોડીને ખેડૂતોના પાકને બચાવવામાં આવે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે વિનામૂલ્યે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોનાં વીજાબિલ સંપૂર્ણપણે માફ કરવામાં આવે.

વધુમાં જણાવ્યું કે વરસાદના અભાવે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ પશુપાલકો અને મજૂર વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયો છે. પાક નિષ્ફળ જવાની સાથે પશુઓ માટે ઘાસચારા અને પાણીની સમસ્યા પણ ઊભી થઈ રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક