હાઈ-વોલ્ટેજ વીજ લાઈનો અને અપૂરતા વળતર મુદ્દે ખેડૂતો લડાયક મૂડમાં; હાર્દિક પટેલના 400 ટકા વળતરના દાવાને ગણાવ્યો પાયાવિહોણો
(ફૂલછાબ ન્યુઝ)
મોરબી, તા.27: મોરબી તાલુકાના
રાજપર ગામે ગુજરાત સત્યાગ્રહ છાવણીના નેજા હેઠળ ખેડૂતોની એક વિશાળ સભાનું આયોજન કરવામાં
આવ્યું હતું. આ સભામાં ખેડૂતોએ ધારાસભ્ય હાર્દિક પટેલે કરેલા નિવેદનનો આકરા શબ્દોમાં
સણસણતો જવાબ આપ્યો હતો. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હાઈ-વોલ્ટેજ વીજ લાઈનો અને તેના
અપૂરતા વળતરના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
સભામાં ખેડૂત આગેવાન કારુભાઈ
અમૃતિયાએ ધારાસભ્ય હાર્દિક પટેલ પર સીધા પ્રહારો કરતા જણાવ્યું કે, ખેડૂતોને 400 ટકા
વળતર મળતું હોવાના દાવા તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. વાસ્તવિકતા એ છે કે ખેડૂતોની
કિંમતી જમીનોમાં વીજ કંપનીઓ દ્વારા જોરજબરદસ્તીથી થાંભલા ઊભા કરવામાં આવે છે અને તંત્ર
દ્વારા પૂરતું વળતર આપવામાં આવતું નથી.
અન્ય ખેડૂત આગેવાનોએ જણાવ્યું
કે ખેતરોમાંથી 400 કે.વી. થી લઈને 1600 કે.વી. સુધીની હેવી વીજ લાઈનો નાખવામાં આવી
રહી છે. આટલી હેવી લાઈનો અને ટાવરના કારણે ખેડૂતોની જમીન બિનઉપજાઉ બની રહી છે અને ખેડૂતોના
જીવને પણ મોટું જોખમ રહેલું છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે વિકાસના નામે ખેડૂતોને
બરબાદ ક2વાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને કંપનીઓ દ્વારા બજાર કિંમત કરતા ખૂબ જ ઓછું
વળતર ચૂકવવામાં આવે છે.
ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે
કે જ્યાં સુધી તેમને યોગ્ય ન્યાય અને પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી ગુજરાત સત્યાગ્રહ
છાવણીનો આ સંગ્રામ ચાલુ રહેશે. આ સભામાં ગુજરાતના 22 જિલ્લાના ખેડૂતોને એકજૂથ થવા માટે
આહ્વાન કરવામાં આવ્યું હતું. આગેવાનોએ અપીલ કરી હતી કે જો ખેડૂતો સંગઠિત નહીં થાય અને
રાજકીય પક્ષોના વાડામાં વહેંચાયેલા રહેશે, તો આવનારી પેઢીઓ માટે જમીન બચશે નહીં.