પોલીસ અને રાજકીય આગેવાનોની મિલીભગતની ચર્ચા વચ્ચે ન્યાય નહીં મળે તો સંમેલન યોજવાની ચીમકી ઉચ્ચારાઈ
બોટાદ,તા.6:બોટાદ
તાલુકાના એક ગામના યુવકને ઓનલાઈન ગામિંગના મામલે પોલીસ દ્વારા પૂછપરછ માટે લાવ્યા બાદ
આશરે રૂપિયા એક કરોડ જેટલી રકમનો તોડ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપોથી સમગ્ર જિલ્લામાં
ભારે ચકચાર અને રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ મામલે કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા
છે અને ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ’કમલમ’ સુધી રજૂઆતો કરવામાં આવી હોવાની ચર્ચા
છે. ઘટનાને પગલે શહેર ભાજપના પૂર્વ મહામંત્રી તથા અખિલ ભારતીય કોળી સમાજના બોટાદ જિલ્લા
મહામંત્રી જગદીશભાઈ ચૌહાણ દ્વારા આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી
યુવકને ન્યાય અપાવવાની તેમજ જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી
કરવાની પ્રબળ માંગ કરવામાં આવી છે.
અંદાજે
વીસ દિવસ અગાઉ બનેલી આ ઘટનામાં પોલીસ તથા કેટલાક રાજકીય આગેવાનોની કથિત સાંઠગાંઠથી
નાણાકીય તોડપાણી કરાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જે હાલ બોટાદમાં ’ટોક ઓફ ધ ટાઉન’
બન્યા છે. સ્થાનિક સ્તરેથી શરૂ થયેલો આ વિવાદ હવે વરસી રહ્યો છે ત્યારે જો ન્યાય નહીં
મળે તો આગામી દિવસોમાં મોટું કોળી સમાજનું સંમેલન યોજી સરકાર સમક્ષ રજૂઆત કરવાની ચીમકી
પણ ઉચ્ચારવામાં આવી છે. સત્તાવાર તપાસ અને સંબંધિત પક્ષોની સ્પષ્ટતા બાદ જ આ ગંભીર
આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે સ્પષ્ટ થશે, પરંતુ હાલ તો આ પ્રકરણે સ્થાનિક રાજકારણ
અને સામાજિક માહોલમાં ભારે હલચલ મચાવી દીધી છે.